Site icon Revoi.in

શેરબજાર માટે બ્લેક મન-ડે: સેન્સેક્સમાં 1900 પોઇન્ટનું ગાબડું, રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા

Social Share

નવી દિલ્હી: આજે ભારતીય શેરબજાર માટે સોમવાર બ્લેક મન-ડે સાબિત થયો હતો. ક્રૂડના આસમાને પહોંચેલા ભાવ, ફૂગાવો વધવાની દહેશત, અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની આશંકા તેમજ વૈશ્વિક વેચવાલીને કારણે આજે શેરબજાર ધડામ થઇને ઉંધા માથે પટકાયું હતું.

શેરબજાર ધ્વસ્ત થતા તેમાં 1900થી વધુ પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 600 પોઇન્ટનું ગાબડું જોવા મળ્યું હતું. આજે કડાકો બોલતા રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા થયા હતા. રોકાણકારોને આજે રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હતો. છેલ્લા 5 સેશનમાં રોકાણકારોએ 17.5 ટ્રિલિયન રૂપિયા ગુમાવ્યા છે.

આજે બજારમાં વેચવાલીનું પણ પ્રેશર જોવા મળ્યું હતું. 872 શેર્સમાં લોઅર સર્કિટ જ્યારે 3000 શેર્સ રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા હતા.

આજે સવારની વાત કરીએ તો નબળા વૈશ્વિક સંકેતોને કારણે સેન્સેક્સ રેડ ઝોનમાં જ ખુલ્યું હતું. બપોરે એકધારી વેચવાલી નીકળતા બજારો ધ્વસ્ત થયા હતા. છેલ્લા 2 કલાકમાં સેન્સેક્સ અન નિફ્ટીમાં ભારે ગાબડું પડી ગયું હતું.

શેરબજારમાં છેલ્લા 5 દિવસથી આ ઘટાડો ચાલુ છે. બજારમાં આજે થયેલો ઘટાડો 5 દિવસમાં સૌથી વધુ છે. ગત મંગળવારે તે 554 પોઈન્ટ્સ, બુધવારે 656 પોઈન્ટ્સ, ગુરુવારે 634 પોઈન્ટ અને શુક્રવારે 427 પોઈન્ટ્સ તૂટ્યો હતો. આજે 1000 અંક કરતા વધુ નુકસાન દેખાઈ રહ્યું છે.

નોંધનીય છે કે, શુક્રવારે માર્કેટ કેપ રૂ. 270 લાખ કરોડ હતું જે આજે ગગડીને રૂ. 262.5 લાખ કરોડ થયું છે. માર્કેટ ખુલ્યાના પહેલા કલાકમાં જ જોરદાર વેચવાલી જોવા મળી રહી છે. એક સપ્તાહમાં માર્કેટ કેપમાં રૂ. 18 લાખ કરોડનો ઘટાડો થયો છે. ગયા સોમવારે તે રૂ. 280 લાખ કરોડ હતું