Site icon Revoi.in

હવે આ કંપની લાવશે પોતાનો IPO, 1 બિલિયન ડૉલર એકત્ર કરશે

Social Share

નવી દિલ્હી: હાલમાં પ્રાઇમરી માર્કેટમાં જોવા મળી રહેલી તેજીનો ફાયદો લેવા માટે અનેક કંપનીઓ પોતાના આઇપીઓ સાથે માર્કેટમાં પ્રવેશ કરી રહી છે. હવે આ જ દિશામાં સોફ્ટબેંક ગ્રુપના સહયોગવાળી ભારતીય હોસ્પિટાલિટી સ્ટાર્ટઅપ ઓયો હોટલ્સ એન્ડ રૂમ્સ આગામી સપ્તાહે IPO માટે ફાઇલ કરવાની તૈયારી કરી રહી છે. કંપની IPOના માધ્યમથી અંદાજીત 1 બિલિયન ડૉલર એકત્ર કરશે.

ભારતીય શેરબજારમાં લિસ્ટિંગ થવા માટે કંપની આતુર છે અને તેનો IPO 1 બિલિયન અને 1.2 બિલિયન ડૉલર વચ્ચેનો હશે. આઇપીઓમાં નવા શેર હશે અને વર્તમાન શેરહોલ્ડર્સ માટે વેચાણ માટે પણ રાખવામાં આવશે. જો કે, આ માટે ઓયોનો સંપર્ક કરવામાં આવતા તેણે કોઇ પ્રતિસાદ આપ્યો ન હતો.

ઘણી અગ્રણી સ્ટાર્ટઅપ કંપનીઓ હવે શેર માર્કેટમાં આવવા માટે તૈયારી કરી રહી છે. જુલાઈમાં ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોનું લિસ્ટિંગ ઘણું જ શાનદાર રહ્યું હતું. બર્કશાયર હાથવેના સહકારવાળી પેટીએમ અને ખાનગી ઈક્વિટી કંપની નાયકાએ પણ આઈપીઓ માટે ફાઈલ કર્યું છે. જ્યારે સોફ્ટબેંકના સહકારવાળી અન્ય કંપની ઓલા પણ માર્કેટમાં આવવા માટે થનગની રહી છે.

ઓયોમાં સોફ્ટબેંકનો હિસ્સો 46 ટકા છે. કંપનીના ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યુટિવ 27 વર્ષીય રિતેશ અગ્રવાલે જુલાઈમાં કહ્યું હતું કે, ભારતમાં કોવિડ-19 સંક્રમણની બીજી લહેર પહેલા જોવા મળતા સ્તરે વેપાર પરત આવવાની અને ત્યાંથી વૃદ્ધિ થવાની શક્યતા છે.