Site icon Revoi.in

બજેટના બીજા દિવસે પણ શેરબજારમાં રોનક, સેન્સેક્સ ફરી 50 હજારની સપાટીને ઉપર

Social Share

મુંબઇ: બજેટના દિવસે શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યા બાદ બજેટના બીજા દિવસે પણ શેરબજારમાં તેજી જોવા મળી છે. સેન્સેક્સ 50 હજારના સ્તર પર ફરી જોવા મળ્યો છે.

1લી ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યું હતું, જેનું શેરબજારે ભવ્ય સ્વાગત કર્યું હતું. બજેટની બીજા દિવસે પણ સ્થાનિક શેરબજારમાં રોનક જોવા મળી છે.

માર્કેટ ખૂલવાની સાથે  બોમ્બે સ્ટોક એક્સચેન્જનો પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સ 1403 પોઇન્ટ ઉપર ખુલવાની સાથે 50,004.06 પર પહોંચેલો જોવા મળ્યો. જ્યારે નિફ્ટી પણ 406 પોઇન્ટ ઉપર ખુલવાની સાથે 14,687.35 પર કારોબાર કરતી જોવા મળી.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ 21 જાન્યુઆરીના રોજ સેંસેક્સ 223.17 પોઇન્ટના વધારા સાથે 50,015.29ના સ્તર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટની શરુઆત 14,707.70ના સ્તર પર થઇ હતી.

ગઇકાલે તૂટ્યો હતો 24 વર્ષનો રેકોર્ડ

ગઇકાલે બીએસઇ ઇંડેક્સ પાંચ ટકા ઉપર બંધ થયો હતો. બજેટના દિવસે આ સેન્સેક્સમાં 24 વર્ષનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો. 1 ફેબ્રુઆરીના રોજ સેંસેક્સ 2314.84 પોઇન્ટ ઉપર 48,600ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 646.60 પોઇન્ટ એટલે કે 4.74 ટકાના વધારા સાથે 14281.20ના સ્તર પર બંધ થઇ હતી.

વૈશ્વિક માર્કેટમાં સકારાત્મક વલણ

આજે વૈશ્વિક માર્કેટ પણ વધારાની સાથે કારોબાર કરી રહ્યાં છે. જેની અસર સ્થાનિક માર્કેટ પર જોવા મળી. કોરિયાનું કોસ્પી, હોંગકોંગનું હેંગસેંગ ઇંડેક્સ, ઓસ્ટ્રેલિયાનું ઓલ ઓર્ડિનરીઝ ઇંડેકસ અને જાપાનનું નિક્કેઇ ઇંડેક્સ 1-1 ટકાના વધારા સાથે કારોબાર કરતા જોવા મળ્યાં.

સેક્ટોરિયલ ઇંડેક્સ પર નજર કરીએ તો આજે પણ બધા સેક્ટર્સની શરુઆત વધારા પર થઇ. જેમાં બેંક, ફાઇનાન્સ સર્વિસસ, મેટલ, ફાર્મા, પ્રાઇવેટ બેંક, આઇટી, પીએસયુ બેંક, એફએમસીજી, મીડિયા અને રિયાલ્ટી સામેલ છે.

(સંકેત)