Site icon Revoi.in

આગામી બજેટ પહેલાંના 100 વર્ષથી અલગ બજેટ હશે: નાણામંત્રી

Social Share

નવી દિલ્હી: આગામી બજેટને લઇને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી તેમજ ક્લાઇમેટ ચેન્જ સંબંધિત સેક્ટર્સના નિષ્ણાતો સાથે પ્રી બજેટ ચર્ચા વિચારણા કરી હતી. બેઠકમાં નાણામંત્રી ઉપરાંત અનુરાગ ઠાકુર, ડો. એ.બી.પાંડે, કેવી સુબ્રમણ્યમ તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. નાણામંત્રીએ કહ્યું હતું કે આગામી બજેટમાં ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકાશે અને છેલ્લા 100 વર્ષથી આ બજેટ અલગ હશે.

નાણામંત્રાલયે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, દિલ્હીમાં કેન્દ્રીય નાણામંત્રીએ સામાન્ય બજેટ 2021-22ના સંબંધમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી અને ક્લાઇમેટ ચેન્જ સંબંધિત સેક્ટર્સના નિષ્ણાતો સાથે પ્રી બજેટ વિચાર વિમર્શ કર્યો છે. આ નવા વર્ષે 1 ફેબ્રુઆરીમાં સંસદમાં બજેટ રજૂ કરાશે.

થોડા દિવસો પૂર્વે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે આ વર્ષે બજેટ અલગ રહેવાનું છે. તેઓએ કહ્યું હતું કે છેલ્લા 100 વર્ષોના બજેટની સરખામણીએ આ વર્ષનું બજેટ અલગ રહેશે. સરકાર પડકારના આધારે બજેટ તૈયાર કરવાની છે. કોરોના સંકટના કારણે સરકાર બજેટમાં પોતાની નવી રણનીતિ રજૂ કરી શકે છે.

આ વર્ષે બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકાશે કારણ કે તેનાથી અર્થતંત્રમાં ટકાઉ રિકવરી જોવા મળશે. સરકાર પ્રયાસરત રહેશે કે નવા વર્ષમાં અર્થતંત્ર ફરીથી પાટા પર આવશે જેથી સરકાર તેના લક્ષ્યાંકો પૂર્ણ કરી શકશે.

નોંધનીય છે કે બજેટ પહેલા દર વર્ષે નાણામંત્રી અલગ અલગ સેક્ટર્સના દિગ્ગજ સાથે બેઠક કરે છે. તેમાં બજેટને લઇને મંતવ્ય આપવામાં આવે છે. આ વર્ષે કોરોના મહામારીએ દેશના અર્થતંત્રને પ્રભાવિત કર્યું છે ત્યારે બજેટનું મહત્વ તે રીતે પણ વધી ગયું છે.

કોરોનાને કારણે આ વર્ષે પણ પ્રી બજેટ બેઠક વર્ચ્યુઅલી થઇ રહી છે. થોડા દિવસ પહેલાં જ પ્રી બજેટ બેઠકને લઇને સામાન્ય જનતાના મંતવ્યો માંગવામાં આવ્યા હતા.

(સંકેત)