Site icon Revoi.in

મોંઘવારી મજા બગાડશે, હજુ મોંઘુ થઇ શકે પેટ્રોલ-ડીઝલ, આ છે કારણ

Social Share

નવી દિલ્હી: નવા વર્ષની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે નવા વર્ષે પણ તમારે મોંઘવારીનો માર સહન કરવાની તૈયારી રાખવી પડશે. વર્ષ 2022ના પ્રારંભથી જ ક્રૂડ તેલની કિંમતમાં ઉછાળો આવ્યો છે જેને કારણે આગામી સમયમાં પેટ્રોલ-ડીઝલના ભા પણ ભડકે બળે તેવી આશંકા છે.

આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલની કિંમત આસમાનને આંબી રહી છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 84 ડોલરની નજીક પહોંચી ગઇ છે અને નિષ્ણાતોનું માનીએ તો માંગમાં વધારાને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ વધારો થવાની સંભાવના રહેલી છે.

વર્ષ 2022ની શરૂઆત જ કાચા તેલની કિંમતમાં ઉછાળા સાથે થઇ છે. ક્રૂડ ઓઇલના ભાવ બે મહિનાના ઉચ્ચ સ્તરે ટ્રેડ થઇ રહ્યા છે. જાન્યુઆરી 2022માં કાચા તેલની કિંમતમાં 8 ટકાનો વધારો થયો છે. હાલમાં ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ 84 ડોલરની આસપાસ ટ્રેડ થઇ રહ્યું છે. OPECએ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન આવશ્યકતા પ્રમાણે વધાર્યું નથી અને જેટલી માંગ છે તેટલી સપ્લાય નથી. તેને કારણે પણ ભાવમાં તેજીનો સળવળાટ જોવા મળી રહ્યો છે.

ગત માર્ચ 2020માં કોવિડ મહામારીને પગલે વિશ્વ વ્યાપી લોકડાઉનને કારણે ક્રૂડ ઓઇલની માંગ ઘટતા OPEC પ્લસ દેશોમાં ઉત્પાદનમાં 10 મિલિયન બેરલનો ઘટાડો કરવામાં આવ્યો હતો.જો કે, ઓગસ્ટ 2020થી, તે ધીમે ધીમે પુન:સ્થાપિત કરવામાં આવ્યો છે. અત્યારસુધી લગભગ 6 મિલિયન બેરલના ઉત્પાદન કાપને પુન:સ્થાપિત કરવામાં આવ્યો છે. અમેરિકા અને ભારત સહિત અનેક દેશો ઓપેક પ્લસ દેશો પાસેથી ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધારવાની માંગ કરી રહ્યાં છે.

બીજી તરફ, આગામી 10 ફેબ્રુઆરીથી ભારતના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી શરૂ થવા જઇ રહી છે ત્યારે આ સંજોગોમાં સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવાનું જોખમ નહીં ઉઠાવે તેવી શક્યતા છે.