Site icon Revoi.in

આ વખતે પણ દિવાળીમાં ચીનને થશે 50,000 કરોડ રૂપિયાનું જંગી નુકસાન, જાણો શું છે કારણ?

Social Share

નવી દિલ્હી: લદ્દાખ મોરચે ચીન સાથે તણાવ વચ્ચે ચીનને આર્થિક રીતે ઝટકો આપવા માટે પણ ભારત કટિબદ્વ છે. આ વખતે દિવાળીના પર્વ દરમિયાન પણ ચીનની આર્થિક રીતે કમર તૂટવાની છે તે ચોક્કસ છે. અત્યારે દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકો ધૂમધામ ખરીદી કરી રહ્યાં છે. જો કે આ વખતે દિવાળીની ખરીદીમાં ચીનના સામાનને નજરઅંદાજ કરવામાં આવી રહ્યો છે જેને કારણે ચીનને 50,000 કરોડ રૂપિયાનો ફટકો પડવાની સંભાવના છે.

ગત વર્ષની જેમ આ વર્ષે પણ કન્ફેડરેશન ઑફ ઑળ ઇન્ડિયા ટ્રેડર્સ ચીનના સામાનનો બહિષ્કાર કરવાનું લોકોને આહવાન કરી રહ્યાં છે. ચીનની આર્થિક કમર તોડવા માટે આ વખતે કોઇ ભારતીય વેપારી કે આયાતકારોએ દિવાળીના સામાનનો કોઇ ઓર્ડર ચીનને નથી આપ્યો.

આ વર્ષે રક્ષાબંધન તેમજ ગણેશ ચતુર્થીના પર્વ દરમિયાન પણ ચીનને ક્રમશ: 5,000 કરોડ રૂપિયા અને 500 કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. ભારતીય ગ્રાહકો પણ હવે માત્ર સ્થાનિક સામાનની વધી ખરીદી કરી રહ્યાં છે જેને કારણે પણ ચીનના સામાનની માંગ સાવ ઘટી ગઇ છે.

નોંધનીય છે કે ચીની ચીજવસ્તુઓના બહિષ્કારને લઇને હાલમાં જ 20 શહેરોમાં સર્વે કરવામાં આવ્યો છે. જે અનુસાર, દિવાળી પર દેશભરના ગ્રાહકો સામાનની ખરીદી પર 2 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરે તેવી સંભાવના છે, પરંતુ તેમાંથી એક પણ રૂપિયો ચીની સામાનોની ખરીદી પર ખર્ચ નહીં કરે. આ સર્વેમાં અમદાવાદ, નવી દિલ્હી, ચેન્નાઇ, બેંગ્લુરુ, હૈદરાબાદ, મદુરાઇ, પોડિચરી, ભોપાલ જેવા શહેરો સામેલ છે.