Site icon Revoi.in

ટામેટાંની કિંમતમાં સતત તેજી, બે ગણા ભાવે વેચાઇ રહ્યા છે ટામેટાં

Social Share

નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ-ડીઝલ બાદ હવે ટામેટાંની કિંમત પણ લાલઘૂમ થઇ ચૂકી છે. એક જ વર્ષમાં ટામેટા બે ગણા ભાવે વેચાઇ રહ્યા છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં ટામેટાની છૂટક કિંમત 100 થી 130 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ચૂકી છે. દેશમાં પહેલાથી જ મોંઘવારી જોવા મળી રહી છે ત્યારે સતત વધતા ટામેટાંના ભાવથી જનતાની કમર તૂટી ગઇ છે.

દેશના પ્રમુખ શહેરોમાં ટામેટાંના કિંમત પર નજર કરીએ તો રાજધાની દિલ્હીમાં ટામેટાં 73 રૂપિયાના ભાવે વેચાઇ રહ્યાં છે. ચંદીગઢમાં 71 રૂપિયા, લખનૌમાં 75 રૂપિયા કિલોએ વેચાઇ રહ્યા છે. કોલકાતામાં ટામેટાં 83 રૂપિયે કિલો વેચાઇ રહ્યાં છે. જ્યારે મુંબઇમાં 53 રૂપિયે અને બેંગ્લુરુમાં 88 રૂપિયા કિલોના ભાવે વેચાઇ રહ્યાં છે.

છેલ્લા એક વર્ષમાં ટામેટાંના ભાવ બમણા થઇ ચૂક્યા છે. ટામેટાનો વર્તમાન ભાવ અચાનક નથી વધ્યો. ઑક્ટોબરમાં 15 દિવસમાં જ ટામેટાંના ભાવમાં ઉછાળો આવ્યો હતો. એ સમયે બંગાળના કોલકાતામાં ટામેટાંનો ભાવ સૌથી વધુ હતો. અહીંયા પહેલી ઑક્ટોબરે ટામેટાંનો ભાવ 30-35 રૂપિયા કિલો હતો અને 15 તારીખે વધીને 72 રૂપિયા સુધી વધી ગયો હતો.

ટામેટાનો ભાવ વધવા પાછળ મહત્વનું કારણ છે કમોસમી વરસાદ, જેના લીધે ટામેટાના ઉત્પાદનમાં ઘટાડો આવ્યો હતો અને પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવને લીધે ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘુ થયું છે.

અત્રે જણાવવાનું કે, નેશનલ હોર્ટિકલ્ચરલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન મુજબ ચીન પછી ભારત વિશ્વમાં બીજો સૌથી મોટો ટામેટા ઉત્પાદન કરતો દેશ છે. ભારતમાં 7.89 લાખ હેક્ટરમાં આશરે 25.05 ટન પ્રતિ હેક્ટર ઉપજ સાથે આશરે 1.975 કરોડ ટન ટામેટાનું ઉત્પાદન થાય છે.