Site icon Revoi.in

પત્નીને ભૂત-પ્રેત કહેવું ક્રૂરતા નથી, હાઈકોર્ટે રદ્દ કરી દીધી પતિની સજા

Social Share

પટના: પટના હાઈકોર્ટે તાજેતરમાં પોતાના એક ચુકાદામાં કહ્યુ છે કે પતિ દ્વારા પોતાની પત્નીને ભૂતપ્રેત કહેવું ક્રૂરતાની શ્રેણીમાં આવતું નથી. તેની સાથે જ હાઈકોર્ટે નીચલી અદાલત દ્વારા દોખષિત ઠેરવવામાં આવેલા પતિની સજા રદ્દ કરીને તેને મોટી રાહત આપી છે.

જસ્ટિસ બિબેક ચૌધરીની સિંગલ બેંચે પતિ-પત્નીના ઝઘડા અને દહેજ ઉત્પીડનના એક મામલામાં સુનાવણી કરતા કહ્યું છે કે લગ્ન સંબંધમાં ખાસ કરીને અસફળ વૈવાહિક સંબંધોમાં, આવી ઘટનાઓ થાય છે જ્યાં પતિ અને પત્ની બંને એકબીજા સાથે ગંદી ભાષાનો ઉપયોગ કરે છે અને એકબીજા સાથે ગાળાગાળી કરે છે. માટે આવા આરોપ ક્રૂરતા હેઠળ આવતા નથી.

તેની સાથે જ જસ્ટિસ બિબેક ચૌધરીએ આઈપીસીની કલમ-498એ અને દહેજ નિષેધ અધિનિયમ 1961ની કલમ-4 હેઠળ એક પતિને નીચલી કોર્ટ દ્વારા અપાયેલી સજાને રદ્દ કરી. નાલંદા જિલ્લાની કોર્ટના અધિક ન્યાયાધીશે આ મામલામાં આરોપી પતિને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તેના પછી નાલંદાની સીજેએમ કોર્ટે પણ આ ચુકાદાને યથાવત રાખ્યો હતો, જેને પીડિતે હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

હાઈકોર્ટમાં મામલામાં પ્રતિવાદી પત્નીએ એ આરોપોને પણ ફગાવ્યા હતા કે તેણે પતિની યાતના બાબતે તેના પિતાને ઘણાં પત્રો લખીને ફરિયાદ કરી હતી. જ્યારે કોર્ટે આના પુરાવા માંગ્યા તો પ્રતિવાદી તેને રજૂ કરી શકી નહીં. કોર્ટે દહેજના મામલામાં પણ મહિલાના એ આરોપોને ફગાવ્યા હતા કે તેના પતિએ દહેજમાં કારની માગણી કરી હતી. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે આરોપી પતિ અને તેના પરિવારજનો પર લગાવવામાં આવેલા આરોપો વિશિષ્ટ નથી.

કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે આઈપીસીની કલમ-498એ હેઠળ મામલો બંને પક્ષો વચ્ચે વ્યક્તિગત ઝઘડા, દ્વેષ અને મતભેદનું પરિણામ હતો. કોર્ટે તેને પણ ફગાવી દીધો છે.