Site icon Revoi.in

હિંદુઓ પણ ભારતના કેટલાક રાજ્યોમાં છે લઘુમતી, સુપ્રીમ કોર્ટે માંગ્યો રિપોર્ટ

Social Share

સુપ્રીમ કોર્ટે એવા રાજ્યો કે જ્યાં હિંદુઓની સંખ્યા ઓછી છે, તેમને લઘુમતીનો દરજ્જો આપવા સંદર્ભે મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પેનલને આના સંદર્ભે અભ્યાસ કરીને રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જે રાજ્યોમાં સંખ્યાની દ્રષ્ટિએ હિંદુઓ ઓછા છે, શું તેમને લઘુમતીઓને મળનારા સરકારી ફાયદા આપી શકાય છે? શું રાજ્ય વિશેષમાં આના આધારે લઘુમતીનો દરજ્જો કેન્દ્રીય સ્તરથી અલગ નિર્ધારીત કરી શકાય છે?

સુપ્રીમ કોર્ટે સોમવારે રાષ્ટ્રીય લઘુમતી પંચને ત્રણ માસમાં આના સંદર્ભે રિપોર્ટ જમા કરાવવા માટે નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એવા રાજ્યો કે જ્યાં હિંદુઓ વસ્તીની દ્રષ્ટિએ ઓછા હોય અને ત્યાં અન્ય ધર્મના લોકોની વસ્તી બહુમતીમાં હોય, ત્યાં હિંદુઓની સ્થિતિનું નિરીક્ષણ કરીને તેમને આવા રાજ્યોમાં લઘુમતીનો દરજ્જો આપવો કે નહીં તેના માટે રિપોર્ટ જમા કરાવવાનો આદેશ આપ્યો છે.

ભાજપના નેતા અને વરિષ્ઠ એડવોકેટ અશ્વિનીકુમાર ઉપાધ્યાયની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ સંજીવ ખન્નાએ આ નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું છે કે સૌથી પહેલા રાષ્ટ્રીય લઘુમતી પંચે એ મામલા પર વિચારણા કરવાની છે કે હિંદુઓને લઘુમતીનો દરજ્જો આપવામાં આવે કે નહીં. તેના પર તેમમે વિચારણા કરવા માટે નિર્દેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે મામલાની સુનાવણી કરતા કહ્યું છે કે રિટ પિટિશન પર વિચારણા કરવાના સ્થાને અરજદારની અપીલ પર સુનાવણી કરતા તેમને એ યોગ્ય લાગે છે કે રાષ્ટ્રીય લઘુમતી પંચ આને જોવે. રાષ્ટ્રીય લઘુમતી પંચે નવેમ્બર-2017ના આંકડાના આધારે આના સંદર્ભે પોતાનો રિપોર્ટ તૈયાર કરવો જોઈએ અને તેને જેટલી જલ્દી શક્ય હોય જમા કરાવવામાં આવે. સારું હશે કે આ રિપોર્ટને ત્રણ માસમાં જ જમા કરાવી દેવામાં આવે.

2011ની વસ્તીગણતરીના આંકડા મુજબ હિંદુ બહુલ ભારતના આઠ રાજ્યોમાં હિંદુઓની સંખ્યા ઓછી છે. આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લક્ષદ્વીપમાં 2.5 ટકા, મિઝોરમમાં 2.75 ટકા, નાગાલેન્ડમાં 8.75 ટકા, મેઘાલયમાં 11.53 ટકા, જમ્મુ-કાશ્મીરમાં 28.44 ટકા, અરુણાચલપ્રદેશમાં 29 ટકા, મણિપુરમાં 31.39 ટકા અને પંજાબમાં 38.40 ટકા હિંદુઓ છે.

અરજદારે આ આઠ રાજ્યોનું ઉદાહરણ આપતા કહ્યુ છે કે આ રાજ્યોમાં સંખ્યામાં ઓછા હોવાના કારણે લઘુમતીઓના અધિકારોથી તેમને વંચિત કરાઈ રહ્યા છે. તેમને નેશનલ કમિશન ફોર માઈનોરિટી એક્ટ હેઠળ કેન્દ્ર અને રાજ્યમાંથી મળનારી સુવિધાઓથી વંચિત કરવામાં આવે છે. ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટે ઉપાધ્યાયની અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો હતો અને તેમને રાષ્ટ્રીય લઘુમતી પંચની પાસે જવાનું સૂચન કર્યું હતું. અરજદારનું કહેવું છે કે રાષ્ટ્રીય લઘુમતી પંચ તરફથી કોઈ જવાબ નહીં મળ્યા બાદ તેમણે ફરીથી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.