Site icon Revoi.in

પોરબંદર જિલ્લામાં પશુઓમાં લમ્પી નામના જીવલેણ રોગના વાવરથી પશુપાલકો બન્યા ચિંતિત

Social Share

પોરબંદર : ગુજરાતના જામનગર જિલ્લા બાદ પોરબંદર જિલ્લામાં પણ પશુઓમાં લમ્પી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. પોરબંદર જિલ્લામાં પણ પશિઓમાં લમ્પી વાયરસના શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાં 12 જેટલી ગાયોમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. 12 જેટલી શંકાસ્પદ ગાયોમાથી બે ગાયોના મોત નિપજ્યા છે. તંત્ર દ્વારા શંકાસ્પદ ગાયોને શહેરથી દૂર આઇસોલેટ કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં જામનગર જિલ્લામાં પશુઓમાં લમ્પી નામનો વાયરસ જોવા મળ્યા બાદ આ રોગ હવે પોરબંદર જિલ્લાના પશુઓમાં પણ જોવા મળી રહ્યો છે. જામનગરમા લમ્પી વાયરસથી એક જ સપ્તાહમાં 95 થી વધુ ગાયોના મોત નિપજ્યા હતા. જેને પગલે આરોગ્ય વિભાગ દોડતુ થયુ હતુ. તાત્કાલિક અસરથી તમામ પશુઓમાં રસીકરણ કરાયુ હતું. ત્યારે હવે પોરબંદરમાં પણ લમ્પી વાયરસે દેખા દીધા છે. પોરબંદરના તંત્ર દ્વારા જૂનાગઢથી નિષ્ણાતોની ટીમ બોલાવી લેબ રીપોર્ટ કરવા સહિતની તજવીજ હાથ ધરી છે. જૂનાગઢથી નિષ્ણાતોની ટીમની મુલાકાત બાદ લમ્પી વાયરસના કેસ છે કે કેમ તે સ્પષ્ટ થઈ શકશે.

પોરબંદરમાં મૃત પશુઓના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરાઈ છે. સાથે જ પશુઓને આઈસોલેશનમાં મૂકવાની કામગીરી પણ પૂરજોશમાં કરાઈ રહી છે. પશુ માલિકોને સૂચના આપી દેવાઈ છે કે, પોતાના પશુઓને રેઢા ન મુક્વા. આ લમ્પી વાયરસને લઇને પશુપાલન વિભાગ સતર્ક થઇ ગયુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના હોય કે બર્ડ ફ્લુ દરેક રોગ પહેલા પશુમાં અને ત્યાંથી માનવીના શરીરમાં દાખલ થતા હોય છે.  લમ્પી નામનો આ રોગ પણ રખડતા ઢોરને થયો છે. તેથી માણસ તેના સંપર્કમાં આવે કે અન્ય કોઇ પ્રકારે માનવમાં પ્રવેશી શકે કે નહી તે અંગેના કોઇ ડેટા ઉપલબ્ધ નથી. પરંતુ જો માણસમાં આ રોગ પ્રવેશે તો તેની સારવાર હજી સુધી નથી. માણસમાં આ રોગ પ્રવેશે તો તેની સારવાર કરવી કઇ રીતે કરવી તે પણ એક સંશોધનનો વિષય છે.