Site icon Revoi.in

રાજ્યમાં રહેણાંક સોસાયટીઓમાં સીસીટીવી કેમેરા ફરજિયાત લગાવવા પડશે, સરકારનો નિર્ણય

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ચોરી,લૂંટ, હત્યા સહિતના બનાવો વધતા જાય છે. ગુનાઓ ઉકેલવા માટે સીસીટીવી કેમેરા મહત્વના સાબીત થઈ રહ્યા છે. ત્યારે તમામ રહેણાક વિસ્તારો, હાઉસિંગ સોસાયટીઓમાં સીસીટીવી કેમેરા ફરજિયાત લગાવવા પડશે. સીસીટીવી કેમેરા નહીં લાગવનારી સોસાયટીઓ સામે પગલાં લેવાનો સરકારે નિર્ણય લીધો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે, જ્યારે પણ રહેણાંક વિસ્તાર કે જાહેર માર્ગો પર કોઈ ગુનાહિત પ્રવૃતિ થાય છે ત્યારે આરોપીઓ સુધી પહોંચવામાં રસ્તા પર લગાવેલા સીસીટીવી પોલીસ માટે મહત્વના સાબિત થતાં હોય છે. અત્યાર સુધીમાં સરકારી કચેરીઓ, કેટલાક વ્યસ્ત રહેતા જાહેર માર્ગો તેમજ ચાર રસ્તા પર સીસીટીવી લગાવવામાં આવ્યા છે અને આ કામ હજી યથાવત્ છે.  ગુજરાત સરકારે રહેણાંક સોસાયટીઓમાં સીસીટીવી ફરજિયાત બનાવવા માટેની નવી પોલિસીને મંજૂરી આપી છે. જો કે, તેને લગતા નિયમો બનાવવાના બાકી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સીસીટીવી કેમેરા પોલિસી અંગે રાજ્યના ગૃહ વિભાગે એક પ્રસ્તાવ રાજ્ય સરકાર સમક્ષ મૂક્યો હતો, જેને મંજૂરી આપવામાં આવી છે. સીસીટીવી કેમેરા લગાવવા માટે સરકારની મંજૂરી લેવી પડશે. આ મંજૂરી આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ કમિટી બનાવવામાં આવશે. જેમાં સ્થાનિક પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર તેમજ વહીવટી અધિકારીને સામેલ કરાશે. કમિટી પરમિશન આપે તે મુજબ અને તે નિયમોને આધિન જ સીસીટીવી લગાવી શકાશે. રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલી આ નવી નીતિ મુજબ રાજ્યને ચાર ઝોનમાં વહેંચવામાં આવશે અને દરેક ઝોન મુજબ રહેણાંક સોસાયટીઓને અલગ તારવાશે. તે મુજબ તેમાં સીસીટીવી કેમેરા લગાવવા માટેના નિયમોને આખરી ઓપ અપાશે.

ગુજરાત સરકાર દ્વારા વિવિધ સ્થળ પર તો છેલ્લા કેટલાક સમયથી સીસીટીવી કેમેરા ફરજિયાત કરવામાં આવ્યા છે,  ત્યારે હવે સ્થાનિક વિસ્તારમાં બનતી નાની-મોટી ઘટનાઓને રોકવા તેમજ ઝડપથી કેસનો ઉકેલ લાવવા માટે આ નિર્ણય લેવાયો છે. ઘણા સમયથી રહેણાંક વિસ્તારોમાં ચોરી, લૂંટ સિવાય મર્ડર સહિતની ઘટનાઓ વધી રહી છે અને તેને ઉકેલવા માટે સ્થાનિક પોલીસને આજુબાજુના મકાનો તેમજ રસ્તા પરના સીસીટીવી કેમેરા મદદરૂપ સાબિત થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં સરકારે હવે રહેણાંક સોસાયટીઓમાં સીસીટીવી ફરજિયાત બનાવવા નવી સીસીટીવી કેમેરા પોલિસી અમલી બનાવી છે.