Site icon Revoi.in

આંગણવાડી કેન્દ્રો ખાતે સુપોષણ મહિનાની ઊજવણી : સર્ગભા મહિલાઓને પોષણ આહાર અપાયો

Social Share

ગાંધીનગરઃ રાજ્યના  53,029  આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ માસની ઉજવણીના ભાગરૂપે સગર્ભા મહિલાઓ માટે સુપોષણ સંવાદ અને પોષણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુપોષણ સંવાદ અંતર્ગત ધાત્રી માતાઓની હાજરીમાં સગર્ભા માતાઓની શ્રીમંત વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાળિયેર, ફળો, ગોળ, ખજુર અને આયર્ન ફોલિક એસિડની ગોળીઓ જેવો સુપોષણ આહાર સગર્ભા માતાઓને આપવામાં આવ્યો હતો.

મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા સપ્ટેમ્બર માસમાં કુપોષણ અને એનિમિયાના નિવારણ માટે પોષણ અભિયાનને જન આંદોલનનું સ્વરૂપ આપી ‘પોષણ માસ’ની ઉજવણી શરૂ કરવામાં આવી છે. આ વર્ષની પોષણ માસની થીમ સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત’’ને ઘ્યાનમાં રાખીને રાજ્યના તમામ જિલ્લાઓમાં વિવિઘ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.   રાજ્ય સરકાર દ્વારા પોષણ માસ-2023 અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં સુપોષણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે ભાવનગરના માલણકા ગામે ચાર પ્રથમ સગર્ભાની શ્રીમંત વિધિ કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત ભાવનગર જિલ્લામાં ‘સુપોષણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ અને તેમના પરિવારજનોને મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ ધ્વારા પોષણ વિષયક માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં પ્રોગામ ઓફિસર દ્વારા પોષણ માસ અનુરૂપ આંગણવાડીને લગતી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી અને નાગરિકો પાસે પોષણ માસની શપથ પણ લેવડાવ્યા હતા. ભાવનગરની જેમ જૂનાગઢ, સુરત, છોટાઉદેપુર, ભરૂચ અને અમદાવાદ જિલ્લાઓમાં પણ  સુપોષણ સંવાદની ઉજવણી કરવામાં આવી હતી તેમ મહિલા અને બાળવિકાસ વિભાગની યાદીમાં જણાવાયું છે. (File photo)