Site icon Revoi.in

અમદાવાદમાં ધૂળેટીની સાદગીથી ઉજવણીઃ માર્ગો બન્યા સુમસામ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં થઈ રહેલા સતત વધારાને પગલે હોળી-ધૂળેટીના તહેવારને લઈને સરકાર દ્વારા કેટલાક નિયંત્રણો લગાવવામાં આવ્યાં હતા. તેમજ હોળી-ધૂળેટીને લઈને અમદાવાદ મનપાએ પણ આકરા પ્રતિબંધ ફરમાવ્યાં હતા. બીજી તરફ કોરોનાને પગલે લોકોએ સલામતી જાળવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી શહેરના માર્ગો ઉપર વાહન વ્યવહાર નહીંવત જોવા મળ્યો હતો. જ્યારે સોસાયટીઓ અને શેરીઓમાં નાના બાળકો ધુળેટી રમતા જોવા મળ્યાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાના વધતા જતા કેસના લીધે રાજ્ય સરકારે હોળી પર રંગોથી રમવા પર પ્રતિબંધ મૂકાયો છે. અમદાવાદ શહેરમાં પણ કોર્પોરેશન દ્વારા સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો હતો કે, મોટા બંગલાઓમાં 40-50 લોકો હોળી રમતા હશે તેમના પાણીના કનેક્શન પણ કાપી નાખવામાં આવશે. પોલીસ દ્વારા પણ શહેરમાં ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. જો કે, અમદાવાદ શહેરની પ્રજાએ પણ કોરોના મહામારીને પગલે ધુળેટીના તહેવારની ઉજવણી કરવાનું ટાળ્યું હતું. સોસાયટીઓ અને શેરીઓમાં નાના બાળકો તથા કેટલાક નવ યુવાનો રંગોત્સવની ઉજવણી કરતા જોવા મળ્યાં હતા. શહેરીજનોએ કામ વગર ઘરની બહાર નીકળવાનું પણ ટાળ્યું હતું. જેથી માર્ગો સુમસામ બન્યાં હતા.

અમદાવાદ શહેરમાં વિવિધ મંદિરો દ્વારા પણ ધુળેટીના તહેવારની ઉજવણી નહીં કરવાનો નિર્ણય કરાયો હતો. ભક્તો માટે મંદિરના દરવાજા દર્શન માટે ખુલ્લા મુકવામાં આવ્યાં હતા. જો કે, મંદિરોમાં ભક્તોની ઉપસ્થિતિમાં રંગોત્સવ કરવામાં આવ્યો ન હતો.