Site icon Revoi.in

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટઃ નવા સંસદ ભવનના નિર્માણ સ્થળે પીએમ મોદીએ રુબરુ જઈને એક કલાક સુધી કામકાજનું કર્યું નિરીક્ષણ

Social Share

દિલ્હીઃ- દેશની રાજઘાની દિલ્હી ખાતે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ નવું સંસદ ભવન અને નવું રહેણાંક સંકુલ બનાવવામાં આવી રહ્યું છે. જેમાં, પ્રધાનમંત્રી અને ઉપરાષ્ટ્રપતિના નિવાસસ્થાન સાથે મંત્રાલયની કચેરીઓ માટે અનેક નવી ઓફિસ બિલ્ડિંગ અને કેન્દ્રીય સચિવાલયનું નિર્માણ થઈ રહ્યું છે.

ઉલલેખનીય છે કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની જાહેરાત સપ્ટેમ્બર વર્ષ 2019 માં કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટનો શિલાન્યાસ 10 ડિસેમ્બર 2020 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો.ત્યારે હવે વિતેલી રાતે પીએમ મોદી પોતે આ સ્થળે અચાનક આવી જઈને નિર્માણ સ્થળના કાર્યનું નિરીક્ષણ હાથ ધર્યું હતું.

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિતેલી રાતે અચાનક જ નવા સંસદ ભવનના નિર્માણ સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા. મળતી માહિતી પ્રમાણે પીએમ મોદી લગભગ 8.45 વાગ્યે નવી દિલ્હીમાં નવા સંસદ ભવનના નિર્માણ સ્થળે આવી પહોંચ્યા હતા. તેમણે બાંધકામ સ્થળે રુબરુ જઈને લગભગ એક કલાક વિતાવ્યો અને નવા સંસદ ભવનના નિર્માણનું જીણવટભરી રીતે નિરીક્ષણ કર્યું હતું.

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવનાર સંસદ ભવનનું નવું મકાન લગભગ 65,400 ચોરસ મીટરમાં બનાવવામાં આવશે અને ભવ્ય કલાકૃતિઓથી ભરેલું હશે.આ બિલ્ડિંગ ત્રિકોણાકાર માળખાનું હશે અને તેની ઊંચાઈ જૂની બિલ્ડિંગ જેટલી જ હશે. તેમાં એક વિશાળ બંધારણ હોલ, સાંસદો માટે લાઉન્જ, લાયબ્રેરી, અનેક સમિતિઓના રૂમ, ડાઇનિંગ એરિયા જેવા અનેક ખંડની વ્યવસ્થા પણ જોવા મળશે.