Site icon Revoi.in

કચ્છના માતાના મઢમાં ચૈત્રી નવરાત્રીનો 21મી માર્ચથી પ્રારંભ, મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે

Social Share

ભુજઃ કચ્છના સુપ્રસિદ્ધ અને ભૂજથી 100 કી.મી. અંતરે આવેલા તિર્થધામ માતાના મઢ લાખો ભાવિકોનું આસ્થાનું કેન્દ્ર છે. દેશ-વિદેશથી અનેક ભાવિકો માતાના મઢ એવા આશાપુરા માતાજીના દર્શનાર્થે આવે છે. માતાના મઢમાં  દરવર્ષે  ચૈત્રી નવરાત્રી તેમજ આસો નવરાત્રી ભવ્ય રીતે  ઊજવવામાં આવે છે. આધ્યશકિત આશાપુરાની આરાધનાનું પર્વ નવરાત્રી છે. જ્યારે ચૈત્રીનવરાત્રી શકિતની ઉપાસનાનું મહાન પર્વ ગણાય છે. શકિત વિના જીવનમાં આગળ વધવું મુશ્કેલ છે. તમામ શકિતને દેવી શકિત માનવામાં આવે છે. ત્યારે માતાના મઢમાં ચૈત્રી નવરાત્રી આગામી તા. 21મી માર્ચથી ભવ્યરીતો ઊજવવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  માતાના મઢમાં આશાપુરાનું ભવ્ય મંદિર છે. ત્યા ચૈત્રી નવરાત્રી તા.21-03 મંગળવારના રોજ ભવ્ય પ્રારંભ થશે. તા.21-03 મંગળવાર રાત્રે 08:35 કલાકે ઘટ સ્થાપન થશે. તા.28-3 મંગળવાર ચૈત્રીસુદ-7 ભવ્ય હોમાદિક ક્રિયા રાત્રે 8:0 કલાકે શરૂ થશે. હોમાદિક ક્રિયા ઉત્સવના અધ્યક્ષસ્થાને રાજાબાવા યોગેન્દ્રસિંહજી પુજાવિધિ કરશે.  રાજાબાવા યોગેન્દ્રસિંહ તા.28,03,203, મંગળવાર ચૈત્રીસુદ-7 મોડી રાત્રે 01:30 કલાકે બિડું હોમશે, આ સમયે રાજવી પરિવાર, માઇભકતો, આમંત્રિત મહેમાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત  રહી હવનમાં આહુતિ આપશે. તેમજ માતાજીની સ્મૃતિ, શ્લોક, મંત્રો દ્વારા હવનમાં વિવિધ ફળો દ્વારા વિધિવત આહુતિ ચડાવાશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ચૈત્રીનવરાત્રી સમયે લાખો ભક્તો પગપાળા  માતાના મઢ આશાપુરાના દર્શન કરવા જાય છે.  અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા પદયાત્રીઓને  વિના મુલ્યે ભોજન, ચા, દુધ, દવા વગેરે જરૂરી ચીજવસ્તુઓની સેવા આપવામાં આવતી હોય છે. માતાના મઢ  જતાં દર્શનાર્થીઓ, ભાવિકોએ માતાનામઢ ટ્રસ્ટી-ગણ દ્વારા બનાવેલા  નિયમોનું ચુસ્ત પાલન કરવાનુ રહેશે.  માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા આવતા ભાવિકોને દિવસ રાત જમવા, રહેવા, ચા, વગેરે સવલત નવરાત્રી દરમિયાન  વિના મુલ્યે પુરી પાડવામાં આવે છે. માતાના મઢના ટ્રસ્ટ્રીઓ દિવસ રાત નિ:સ્વાર્થ ભાવે સેવા આપે છે.