Site icon Revoi.in

ચાંગોદર પોલીસે ગ્રીનકોરીડોર બનાવી અમદાવાદમાં  ઓક્સિજનનો જથ્થો પહોંચાડ્યો

Social Share

અમદાવાદઃ શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં  કોરોનાની સારવાર લેતા દર્દીઓને ઓક્સિજનના જથ્થાની અછત વર્તાઈ રહી છે. ત્યારે ચાંગોદર પોલીસે ચાંગોદરથી વસ્ત્રાપુરની ખાનગી હોસ્પીટલમાં ઓકિસજન ખૂટે તે પહેલા ગ્રીન કોરીડોર બનાવી ગણતરીની મિનિટોમાં હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો પહોંચાડ્યો હતો.

અમદાવાદ વિભાગના પોલીસ મહાનિરીક્ષક વી.ચંદ્રશેખર અને પોલીસ અધિક્ષક વીરેન્દ્રસિંહ યાદવની સુચના મુજબ હાલમા ચાલી રહેલા કોરોના માહામારીમાં સરકારની ગાઇડલાઇનનુ ચુસ્તપણે પાલન કરાવવા સાણંદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.ટી.કામરીયાના સીધા માર્ગદર્શન હેઠળ ચાંગોદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર વી.ડી. મંડોરા અને પોલીસ સ્ટાફ કોરોના મહામારીમા ચાંગોદર વિસ્તારમાં કોરોનાની ગાઇડલાઇનનુ ચુસ્તપણે પાલન થાય તે માટે દિવસ રાત કામગીરી કરી રહ્યા છે. અને સાણંદના ચાંગોદર વિસ્તારમાં આવેલા ઓક્સિજનની વિવિધ કંપનીઓમાંથી વિવિધ કોવિડ હોસ્પિટલોમાં સમયસર અને સુરક્ષિત રીતે ઓક્સિજન ગેસ પહોંચે તે માટે સતત કાર્યરત છે. ત્યારે અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમા આવેલ DHS હોસ્પિટલ જેમા હાલમા ચાલી રહેલ કોવીડ મહામારીમા સરકારએ 50 બેડની કોવીડ હોસ્પિટલ જાહેર કરેલ છે. જેમા હાલમાં 8 બેડ ઉપર ICU દર્દીઓ તથા 30 બેડ ઉપર ઓક્સિજન લેતા દર્દીઓ સારવાર હેઠળ છે.

હોસ્પિટલમાં હાલમા ચાલી રહેલી ઓક્સિજનની અછતના કારણે  ઓક્સિજનની રિફિલો પૂર્ણ થવામાં હતી. અને જો તાત્કાલિક સમયસર બીજી ઓક્સિજન રિફિલો પહોંચાડવામા ન આવે તો 38 દર્દીઓના જીવ જોખમમાં હતા. જે અંગે ચાંગોદર પો.ઇન્સ વી.ડી. મંડોરાને જાણ થતા તાત્કાલિક રોડ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી ચાંગોદર પોલીસે પાયલોટીંગ પુરૂ પાડી ચાંગોદરની શ્રીજી ઓક્સિજન કંપની થી વસ્ત્રાપુર DHS હોસ્પિટલ સુધીનું 20 કિ.મી.નુ અંતર ધરાવતા હેવી ટ્રાફિક રોડને ગ્રીનકોરીડોર બનાવી અંદાજે 15થી 20 મિનિટ જેટલા ટુંકા સમયમા તાત્કાલિક હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો પહોચાડ્યો હતો. આમ 38 દર્દીનો જીવ જોખમા તે પહેલા જ ચાંગોદર પોલીસે તાત્કાલિક ઓકિસજનનો જથ્થો પહોચાડી પ્રશંસનીય કામગીરી કરી હતી.