Site icon Revoi.in

અમદાવાદમાં ચેટી ચાંદ અને ઈદના દિને શાળાઓમાં જાહેર રજા રહેશે, DEOએ કર્યો પરિપત્ર

Social Share

અમદાવાદઃ રાજ્યમાં શૈક્ષણિક કેલેન્ડરમાં વર્ષ દરમિયાન શૈક્ષણિક કાર્ય તેમજ જાહેર રજાઓ અને વેકેશન અંગે અગાઉથી જાહેર કરી દેવામાં આવે છે. શૈક્ષણિક કેલેન્ડરમાં ચેટીચાંદ અને ઈદની જાહેર રજાઓ હોવા છતાંયે અમદાવાદ શહેરની કેટલીક સ્કુલોએ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવાની જાહેરાત કરતાં તેનો વિરોધ થયો હતો. અને કેટલાક વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆતો પણ કરી હતી. જેને ધ્યાને રાખીને DEO દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે કે, આગામી 10 અને 11 એપ્રિલે  ચેટીચાંદ અને ઈદની જાહેર રજા હોવાથી તમામ સ્કૂલો બંધ રહેશે અને સ્કૂલોમાં શિક્ષણકાર્ય પણ બંધ જ રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરની કેટલીક ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓએ 10 એપ્રિલે ચેટીચાંદ અને 11 એપ્રિલે ઈદની જાહેર રજા હોવા છતાં શૈક્ષણિક કાર્ય અને પરીક્ષાઓ ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. શાળા સંચાલકોએ કરેલા આ નિર્ણયનો વાલીઓએ વિરોધ કર્યો હતો. વાલીઓની રજૂઆત કરી છતાં કેટલાક  શાળા સંચાલકોએ  નિર્ણય ન બદલતા વાલીઓ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ આ મામલે રજૂઆત કરવા પહોંચ્યા હતા. જાહેર રજા હોવાથી DEO દ્વારા બંને દિવસે સ્કૂલમાં રજા રાખવા બાંહેધરી આપવામાં આવી છે.

જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, જાહેર રજાના દિવસે ફરજીયાત પણે સ્કૂલ ચાલુ ના રાખી શકાય. અમને રજૂઆત મળી છે, જેને ધ્યાને લઈને એક કે બે સ્કૂલ માટે નહી પરંતુ અમદાવાદની તમામ સ્કૂલ માટે પરિપત્ર કરવામાં આવ્યો છે. આ પરિપત્રમાં જાહેર રજાના દિવસે સ્કૂલો બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે.આ રજાના દિવસમાં સ્કૂલ પરીક્ષા પણ યોજી શકશે નહીં.