Site icon Revoi.in

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરહદે જઈને ભારતીય સેનાના જવાનો સાથે દિવાળી ઊજવશે

Social Share

ગાંધીનગરઃ કચ્છના અફાટ રણ વિસ્તારમાં આવેલા પ્રવાસન સ્થળ ઘોરડોમાં રણોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. દિવાળી બાદ સફેદ રણના નજારાને મહાણવા માટે અનેક પ્રવાસીઓ આવશે. સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધોરડો ખાતેના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અને દિવાળીના પર્વ નિમિત્તે ભારત-પાકની સરહદ પર દેશની રખેવાળી કરી રહેલા ભારતીય સેનાના જવાનો સાથે મુખ્યમંત્રી દિવાળી પર્વની ઊજવણી કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ દિવાળી અન્ય તહેવારો સેનાના જવાનો જોડે તથા દેશ હિત માં અલગ અલગ સેવા આપનારા લોકો સાથે રહીને ઊજવતા હોય છે. આ જે પ્રથા ચાલી આવે છે તેને ગુજરાતના મુખ્યમંત્રી પણ અનુસરતા રહ્યાં છે. વિજય રૂપાણી પણ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે દિવાળી સેનાના જવાનો સાથે ઉજવી હતી. એજ રીતે ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ વખતે સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારના ગૃહ વિભાગ અને રમત ગમત વિભાગ દ્વારા કચ્છના ધોરડો ખાતે ખૂબ જ મોટો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જ્યાં BSF, આર્મી, નેવી, કોસ્ટ ગાર્ડ અને NCC સાથે જોડાયેલાં મેમ્બર્સને ગુજરાત પોલીસ દ્વારા દિવાળીના સ્નેહ મિલન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. દેશની રક્ષા કરે છે તેવા લોકો પરિવાર સાથે અને ગ્રામજનો કાર્યક્રમમાં જોડાશે. ભુપેન્દ્ર પટેલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે  પહેલી દિવાળી દેશના સૈનિકો અને પોલીસ જવાનો સાથે ગાળશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આવતી કાલે 3જી નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છના ધોરડો ખાતે સરહદી વિસ્તારમાં હંમેશા સરહદ પર તૈનાત અને દુશ્મનો સામે આપણા દેશની રક્ષા કરતા આર્મી, BSF, એરફોર્સ,એસ.આર.પી,  કોસ્ટ ગાર્ડના જવાનો તેમજ ગુજરાત પોલીસ અને NCC સાથે મળીને તેમની સાથે વાર્તાલાપ કરશે. તેમને દિપાવલીના પર્વ નિમિત્તે મીઠાઈ આપીને શુભેચ્છાઓ પાઠવશે. આ ઉપરાંત ધોરડો ખાતે યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે અને તેમની ઉપસ્થિતિમાં જવાનો સાથે આતિશબાજીનો કાર્યક્રમ પણ યોજાશે.તા.૩ નવેમ્બર 2021 ના સાંજે 4 કલાકથી શરૂ થનારા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સહભાગી થશે. ધોરડો ખાતેના કાર્યક્રમને લઈને તૈયારી અને આયોજન અર્થે કલેક્ટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષ સ્થાને સંબંધિત અધિકારીઓની બેઠક પણ આ તબક્કે આજ રોજ યોજાઇ હતી.

Exit mobile version