Site icon Revoi.in

ભારતીય નૌસેનાના વડા એડમિરલ આર હરિકુમારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની લીધી શુભેચ્છા મુલાકાત

Social Share

ગાંધીનગરઃ ભારતીય નૌસેનાના વડા – ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ એડમિરલ આર. હરિ કુમાર પીવીએસએમ, એવીએસએમ, વીએસએમ, એડીસીએ બુધવારે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમણે રાજ્યપાલને નૌકાદળમાં સમાવિષ્ટ કરાઈ રહેલા મિસાઈલ ડિસ્ટ્રોયર યુદ્ધ જહાજ, કે જેને ‘સુરત’ નામ આપવામાં આવ્યું છે; તેના વિશે જાણકારી આપી હતી. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ સૌપ્રથમ વખત નૌસેનાના યુદ્ધ જહાજને ગુજરાતના એવા શહેરનું નામ આપવામાં આવ્યું છે, જ્યાં સદીઓ પહેલાં જહાજ નિર્માણ થતું હતું; તે માટે પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ એડમિરલ સાથેની મુલાકાતને પ્રેરણાદાયી ગણાવીને કહ્યું હતું કે, સેનાના અધિકારીઓનો જુસ્સો અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પણની અનુભૂતિથી ગર્વ થાય છે અને પ્રેરણા મળે છે.

નૌસેનાના 25મા અને વર્તમાન વડા એડમિરલ આર. હરિ કુમારે સરહદી સુરક્ષા ઉપરાંત દરિયામાં સ્થિત ગેસ, તેલ, ઈંધણની પાઇપલાઈન્સ તથા અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા, કચ્છની દરિયાઈ સીમાની સુરક્ષા અને લોથલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ વિશે વિસ્તૃત આદાન-પ્રદાન કર્યું હતું. નૌસેનાની પ્રવૃત્તિઓ અને કામગીરીથી સામાન્ય નાગરિકો સુમાહિતગાર થાય એ દિશાના પ્રયત્નોની તેમણે જાણકારી આપી હતી. એડમિરલે શક્તિશાળી, સાહસિક, આત્મવિશ્વાસુ અને ગર્વિત ભારતીય નૌસેનાનું પ્રતિક ક્રેસ્ટ-ચિહ્ન  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને અર્પણ કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે. કે, તાજેતરમાં સુરત ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નૌકાદળના વડા એડમિરલ આર.હરિકુમારની ઉપસ્થિતિમાં ‘સુરત’ યુદ્ધજહાજના ક્રેસ્ટનું અનાવરણ કરાયું હતું. ભારતીય નૌકાદળ દ્વારા તેના અત્યાધુનિક ચોથા મિસાઈલ ડેસ્ટ્રોયર યુદ્ધજહાજના ક્રેસ્ટ(ચિહ્ન)ને ‘સુરત’ નામ આપી સુરતના પ્રાચીન શિપબિલ્ડિંગના વારસાનું બહુમાન કરવામાં આવ્યું હતું.