Site icon Revoi.in

ચિત્રકળામાં પારંગત એવા બાળ મોનીશને શિવતાંડવ સ્ત્રોત અને ભાગવત ગીતાજીના શ્વોક કંઠસ્થ

Social Share

(દીપક દરજી)

અમદાવાદઃ આજના આધુનિક જમાનામાં બાળકો અને યુવાનો કંઈક નવુ કરવાના પ્રયાસ કરી રહ્યાં છે. તેમજ સફળતા મેળવીને દેશનું નામ રોશન કરી રહ્યાં છે. આવો જ બાળ હીરો અમદાવાદનો મોનીશ જાયડિયા લાઈવ ડ્રોઈંગ તથા વિવિધ ચિત્રોથી કલાપ્રેમીઓને આકર્ષિત કરવાની સાથે જ 13 વર્ષની ઉંમરનો આ બાળક ભાગવત ગીતાજીના શ્વોક અને શિવ તાંડવ સ્તોત્રનું પઠન કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યાં છે.

અમદાવાદ શહેરના ગુરુકુળ વિસ્તારમાં રહેતા મયુરભાઈ જાપડિયા લેબોરેટરી સપ્લાયના વ્યવસાય સાથે જોડાયેલા છે. જ્યારે તેમના પત્ની મોનાબેન જાપડિયા હાઉસવાઈફ છે. ધો-8માં અભ્યાસ કરતો તેમનો દીકરો મોનીશને નાનપણથી ડ્રોઈંગનો શોખ હતો. બે વર્ષનો હતો ત્યારથી જ પેન્સિલથી કાર અને કાર્ટૂન કેરેકટરના પેન્ટીંગ બનાવતો થયો હતો. મયુરભાઈ અને તેમની પત્ની મોનાબેનને વર્ષોથી ડ્રોઈંગનો શોખ છે. કોલેજના દિવસોમાં બંને ડ્રોઈંગ બનાવતા હતા અને વિવિધ પ્રદર્શનમાં પણ ભાગ લેતા હતા. મા સરસ્વતીજીના આર્શિવાદથી મોનીશને પણ ડ્રોઈંગ બનાવતા જોઈને તેનામાં રહેલી આ કલાને બહાર લાવવા પ્રોત્સાહન આપવાનું શરુ કર્યું હતું.

મયુરભાઈ જાપડિયાએ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) સાથે વાત કરતા જણાવ્યું હતું કે, બાળપણથી જ તેનો શોખ ડ્રોઈંગ પેન્ટિંગ અને સ્કેચિંગનો રહ્યો છે. મોનીશ લગભગ બે વર્ષનો હતો ત્યારથી તેને નાના સર્કલ બનાવી એમાંથી કાર બનાવવી, નાના નાના કાર્ટૂન બનાવવા, તથા દરેક વસ્તુ નું ઓબ્ઝર્વેશન કરી અને એના ડ્રોઈંગ બનાવવા, ટીવી જોતા જોતા છોટાભીમ જેવા કાર્ટૂન કેરેક્ટર ના ડ્રોઈંગ બનાવતો હતો, આવી રીતે ડ્રોઈંગ અને સકેચિંગ કરવાનું શરૂ કર્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે કે, તેના કલાપ્રેમને જોઈને અમે પણ તેને ડ્રોઈંગ માટે જરુરી વસ્તુઓ લઈ આપી હતી. નાની ઉંમરમાં બાળકો રમકડાંની માંગણી કરતા હોય છે પરંતુ આ ઉંમરમાં મોનીશ રમકડાંને બદલે ડ્રોઈંગને લગતી વસ્તુઓ જેવી કે સ્કેચપેન, બ્રશ કલર અને ડ્રોઈંગ પેપરની માંગણી કરતો હતો. કલા પ્રત્યેના તેના પ્રેમને જોઈને તેની તમામ જરૂરીયાત પુરી પાડતા હતા. આમ ડ્રોઈંગ અને પેન્ટિંગમાં રુચી વધતી ગઈ હતી.

નાનપણથી જ મોનીશને ડ્રોઈંગનો શોખ હોવાથી ઘણી બધી ડ્રોઈંગ કોમ્પિટિશનમાં ભાગ લીધેલ છે અને આ દરમિયાન તેને ઘણા બધા સર્ટિફિકેટ તથા એવોર્ડ્સ પણ મળેલા છે રેડિયો FM ના એક કોમ્પિટિશનમાં પણ તે પ્રથમ નંબર ઉપર આવેલ. આ ઉપરાંત ટાટા કંપનીના એક ઇવેન્ટ ડ્રોઈંગ માં મોનીશ પ્રથમ આવેલ. મોનીશને મળેલા એવોર્ડ્સ સર્ટિફિકેટ માં ઇન્ટરનેશનલ કોમ્પિટિશનના એવોર્ડ પણ સામેલ છે.

મોનીશ ડ્રોઈંગ સ્કેચિંગ પેન્સિલ વર્ક તથા એક્રેલિક અને વોટર કલર થી પ્રિન્ટિંગ તથા પોર્ટ્રેટ બનાવે છે અને ઘણા મહાનુભાવોના સ્કેચિંગ અને પેઇન્ટિંગ્સ પણ બનાવેલા છે. રાજકોટમાં યોજાયેલ એક પ્રદર્શનમાં પણ મોનીશે બનાવેલ પેઇન્ટિંગ્સ ને અનન્ય સ્થાન મળેલું તથા જેમાં ઘણા દિગ્ગજ કલાકારોમાં મોનીશ એકમાત્ર બાળ કલાકાર હતો. મોનીશે પીએમ મોદી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મહાનુભાવોએ લાઈવ ડ્રોઈંગ તૈયાર કર્યાં છે.

અમદાવાદ શહેરની જાણીતી શાળામાં અભ્યાસ કરતો મોનીશ સુંદર ચિત્રો બનાવવાની સાથે ભાગવત ગીતાજીના શ્વોક, શિવ તાંડવ સ્તોત્ર તથા અન્ય સંસ્કૃતના અનેક શ્વોક કંઠસ્થ છે. મોનીશને દાદા અવંતીભાઈ સાથે ઘેરાબો હતો. જો કે, વર્ષ 2018માં તેમનું નિધન થયું હતું. અવંતીભાઈને વાંચવાનો ભારે શોખ હતો. દાદા વિવિધ પુસ્તકો વાંચતા હોવાથી મોનીશને પણ વાંચવાની રુચી વધી હતી. ચારેક વર્ષ પહેલા પડોશમાં જૈન પરિવાર પાસેથી મોનીશ નવકારમંત્ર શીખ્યો હતો. અવંતીભાઈના નિધન બાદ પરિવારે રોજ રાતના ભગવત ગીતાજીના પાઠનું પઠન શરૂ કર્યું હતું. જેથી મોનીશને ગીતાજીના શ્લોક પણ કંઠસ્થ થઈ ગયા હતા. તેણે ઘણા કાર્યક્રમો અને સમાજના ફંકશનમાં સ્ટેજ ઉપર શિવ તાંડવ સ્ત્રોત તથા ગીતાજીના શ્લોકનું પઠન કર્યું હતું.

મયુરભાઈએ જણાવ્યું હતું કે, મોનીશ અભ્યાસ તથા ડ્રોઈંગની સાથે મિત્રોને મદદ કરવા માટે તૈયાર રહે છે. અનેક મિત્રો ડ્રોઈંગ માટે મોનીશ પાસેથી અભિપ્રાય મેળવે છે. મોનીશને ડ્રોઈંગ-પેન્ટિંગની સાથે એનિમેશન અને કાર્ટૂન ક્રિએશનનો પણ શોખ છે તે આ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે.