- ચીને ફરી એક વખત કર્યો કાંકરીચાળો
- હવે હિમાલયના શિખરની ટોચ પર કર્યો યુદ્વાભ્યાસ
- આ યુદ્વાભ્યાસથી ભારતને આપી ચેતવણી
નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદે હજુ પણ તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. ભારત અને ચીન વચ્ચે અનેકવાર મંત્રણા છતાં ચીન પોતાની ખરાબ નિયતને અંજામ આપવા અટકચાળો કરી રહ્યું છે. હવે ભારતને ચેતવણી આપવા માટે ચીનની સેનાએ તિબેટમાં હિમાલયના શીખરો પર કબ્જો કરવા માટેનો યુદ્વાભ્યાસ કર્યો છે.
આ યુદ્વાભ્યાસમાં ચીનની 10 સૈન્ય ટુકડીએ ભાગ લીધો હતો. આ અભ્યાસ પાછળનો ઇરાદો ભારતને ચેતવણી આપવા માટેનો છે. કારણ કે અગાઉ લદ્દાખમાં સર્જાયેલા તણાવ દરમિયાન ભારતીય સૈન્યએ ઉંચા શીખરો પર કબ્જો કરીને ચીનને ચોંકાવી દીધું હતું.
ચીની મીડિયા અનુસાર બે દિવસ અને એક રાત ચાલેલા આ યુદ્વાભ્યાસમાં સેનાને બે પક્ષમાં વહેંચવામાં આવી હતી. જેમાં એક પક્ષ દ્વારા પહાડોના શીખર પર તોપમારો કરવામાં આવ્યો હતો. એક ટીમે 6100 મીટરની ઉંચાઇ સુધી ચઢાઇ કરી હતી.
સાથોસાથ યુદ્વાભ્યાસ દરમિયાન ડ્રોનને તોડી પાડવાની પણ પ્રેક્ટિસ કરવામાં આવી હતી. ચીની સેનાએ આ માટે ઇલેક્ટ્રોમેગ્નેટિક હથિયારનો ઉપયોગ કર્યો હતો. જ્યારે પોતાના ડ્રોનનો ઉપયોગ દુશ્મન સૈનિકો પર હુમલો કરવા માટે કરવામાં આવ્યો હતો.