Site icon Revoi.in

મિડલ ઈસ્ટના જંગમાં હવે ચીનની એન્ટ્રી: શી જિનપિંગે રજૂ કર્યો શાંતિ મંત્રનો 4-પોઈન્ટ ફોર્મ્યુલા

Social Share

બેજિંગ, 14 એપ્રિલ 2026: ઈરાન અને અમેરિકા વચ્ચે વકરી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે વિશ્વના શક્તિશાળી નેતા અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પ્રથમવાર સાર્વજનિક નિવેદન આપ્યું છે. યુએઈના ક્રાઉન પ્રિન્સ સાથેની મુલાકાત દરમિયાન જિનપિંગે મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવા માટે ચીન રચનાત્મક ભૂમિકા ભજવવા તૈયાર હોવાનું જણાવ્યું છે. મહત્વનું છે કે, જ્યારે પાકિસ્તાન અને તુર્કી જેવા દેશો સીઝફાયર કરાવવામાં નિષ્ફળ રહ્યા છે, ત્યારે ચીનની આ પહેલ વૈશ્વિક રાજકારણમાં ગરમાવો લાવી રહી છે.

સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુસાર, શી જિનપિંગે અખાતી દેશોમાં સ્થિરતા લાવવા માટે ચાર મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂક્યો છે. જિનપિંગે કહ્યું કે દુનિયા ફરીથી ‘જંગલરાજ’ તરફ ન જઈ શકે. શક્તિશાળી દેશોએ સંયમ રાખવો જોઈએ અને તમામ પ્રકારના હુમલાઓ તાત્કાલિક બંધ કરવા જોઈએ. સમાધાન માટે ઈરાનની સરકાર અને તેના શાસનને માન્યતા આપવી અનિવાર્ય છે. જો ઈરાનને સ્વીકારવામાં નહીં આવે, તો આ સંકટ વધુ ઘેરી બનશે. અખાતી દેશોએ એકબીજા પર હુમલો ન કરવો જોઈએ કે હુમલાના કોઈ પણ ષડયંત્રમાં સામેલ ન થવું જોઈએ. દબાણ દ્વારા શાંતિ લાવી શકાતી નથી. માત્ર સતત સંવાદ અને વાતચીત દ્વારા જ સમસ્યાનો કાયમી ઉકેલ શક્ય છે.

ચીન અને ઈરાન વચ્ચેના સંબંધો ઘણા ગાઢ છે. અમેરિકાના પ્રતિબંધો છતાં ચીન ઈરાન પાસેથી તેલની ખરીદી ચાલુ રાખે છે. બીજી તરફ, મે મહિનાના મધ્યમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની મુલાકાતે જવાના છે. આવી સ્થિતિમાં જિનપિંગની આ મધ્યસ્થી રણનીતિક રીતે અત્યંત મહત્વની માનવામાં આવે છે. અગાઉ પણ ચીનના હસ્તક્ષેપ બાદ જ ઈરાન વાટાઘાટો માટે તૈયાર થયું હતું.

આ પણ વાંચોઃ અમેરિકી-ઈઝરાયેલ હુમલાથી ઈરાનને 270 અબજ ડોલરનું નુકસાન

Exit mobile version