Site icon Revoi.in

CID ક્રાઈમની રિવ્યુ બેઠક, પોલીસ તંત્ર એક્શન પ્લાન બનાવી એક સૂત્રતાથી કામ કરશેઃ હર્ષ સંઘવી

Social Share

ગાંધીનગરઃ ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીએ નાગરિકોના સંરક્ષણ અને પ્રશ્નોના નિકાલ માટે રાજ્યનું સમગ્ર પોલીસ તંત્ર અલાયદો એકશન પ્લાન બનાવી એક સૂત્રતા સાથે ટીમ ગુજરાત બની કામ કરવા ભાર પૂર્વક અનુરોધ કર્યો છે.

ગાંધીનગર ખાતે સીઆઇડી ક્રાઇમની કામગીરીની રીવ્યુ બેઠકમાં સમીક્ષા કરતા મંત્રી  સંઘવી એ ઉમેર્યું હતું કે,મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઈ રહે એ માટે પોલીસ તંત્ર સંનિષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે. ત્યારે સમગ્ર પોલીસ દળ એક યુનિક ડિઝાઇન અને કોન્સેપ્ટ સાથે કામગીરી કરશે તો પ્રજાજનોને વધુને વધુ સારી સુવિધાઓ પુરી પાડી શકાશે.

તેમણે ઉમેર્યુ કે, રાજ્યની સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ ફકત નોડલ એજન્સી તરીકે ન રહેતા તેઓએ તમામ પ્રકારની કામગીરી કરવાની રહેશે. અભય કોલ પર જ્યારે કોલ આવે ત્યારે જે ટીમ જાય છે તેમા શી ટીમનો પણ સમાવેશ કરાશે. આ ઉપરાંત એનડીપીએસ અને સાયબર ક્રાઇમની કામગીરીને વધારે અસરકારક અને વ્યાપક બનાવવા સંબંધિતોને સૂચનાઓ આપી હતી. તેમજ રાજ્યમાં ગુમ થયેલા બાળકોને શોધવાની કામગીરી અને નાસતા ફરતા આરોપીઓને પકડવા માટેની સીઆઇડી ક્રાઈમ દ્વારા કરવામાં આવતી કામગીરીને બિરદાવી હતી અને આગામી સમયમાં એકશન પ્લાન બનાવી વધુ સધન કામગીરી કરવા સૂચનાઓ આપી હતી.

આ રીવ્યુ બેઠકમાં ડીજી સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ સીઆઇડી ક્રાઇમના રાજ્યના તમામ નાયબ પોલીસ અધીક્ષક સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ અધિકારીઓએ દ્વારા મંત્રી સંઘવી સમક્ષ સીઆઇડી ક્રાઇમની કામગીરીઓનુ વિસ્તૃત પ્રેઝન્ટેશન કરીને જરૂરી વિગતો પુરી પાડી હતી.