Site icon Revoi.in

નડિયાદમાં જૂની સબજેલનું બાંધકામ દુર કરીને આધુનિક સુવિધાથી સજજ સીટી બસ સ્ટેન્ડ બનાવાશે

Social Share

અમદાવાદઃ ખેડા જિલ્લાના નડિયાદમાં 80 વર્ષ પહેલા બનેલી જૂની સબજેલનું બાંધકામ દુર કરીને તેની જગ્યાએ કરોડોના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ સીટી બસ સ્ટેન્ડ અને કોમર્શીયલ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવશે. આ સબજેલ લાંબા સમયથી બિન ઉપયોગી છે અને જર્જરિત હાલતમાં હોવાથી તેની જગ્યાએ સીટી બસ સ્ટેન્ડ બનાવવાનો નિર્ણય કરાયાનું જાણવા મળે છે.

નડિયાદ શહેરમાં રેલ્વે સ્ટેશન સામે આવેલ સબજેલ વર્ષ 1940માં બનાવવામાં આવેલ હતી. આ સબજેલની જમીન બાંધકામ સહીત નડિયાદ નગરપાલિકાને તબદીલ કરવા મહેસુલ વિભાગનાં ઠરાવ  કલેકટરશ્રીના હુકમ અન્વય નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર અને રાજ્યનાં જેલ ખાતાના સુપ્રિટેન્ડેન્ટ સબજેલ દ્વારા તા. 12મી એપ્રિલ 2000ના રોજ એકબીજાની સાક્ષીઓની રૂબરૂમાં સબજેલના કબજાની આપ-લે કરી હતી.

નડિયાદ નગરપાલિકાના તત્કાલિન પ્રમુખ અને હાલના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના સમયમાં નવી જેલ બીલોદરાના બાંધકામ માટે રૂ.1.35 કરોડની માતબર રકમો તથા નવી જેલના જમીન સંપાદન માટેની રકમો પોલીસ હાઉસીંગ કોર્પોરેશનને ચુકવવામાં આવેલ હતી. આ જમીનનો ઉપયોગ વાણીજ્ય હેતુ માટે નગરપાલિકા કરી શકે છે જેથી જૂની સબજેલનું બાંધકામ દુર કરી મુખ્ય મંત્રી શહેરી બસ પરિવહન યોજના અંતર્ગત નડિયાદ શહેર તેમજ આસપાસનાં ગામોનાં નાગરિકો માટે સીટી બસની સુવિધા ઉભી કરવા સીટી બસ સ્ટેન્ડ બનાવવાનું તથા અદ્યતન કોમર્શીયલ કોમ્પ્લેક્ષ બનાવવાનું નક્કી કરવામાં આવેલ છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 45 બસો સમાવેશ થઈ શકે તેવું સીટી બસ સ્ટેન્ડ તથા તેના ઉપરના ફ્લોર ઉપર અદ્યતન કોમર્શીયલ કોમ્પ્લેક્ષ માટે અંદાજીત રૂ. 40 કરોડના ખર્ચે આયોજન કરવામાં આવેલ છે.