Site icon Revoi.in

અમદાવાદમાં ફાયર NOC ન હોય તેવી 250 શાળાઓને ક્લોઝર નોટિસ

Social Share

અમદાવાદ : શહેરમાં તમામ શાળાઓમાં બાળકોની સુરક્ષા માટે ફાયર સુવિધા હોવી જરૂરી છે. શહેરના ફાયર વિભાગ દ્વારા ફાયર NOC વિનાની શાળાઓ સામે ઝૂંબેશ હાથ ધરી છે. અગાઉ 37 શાળાઓને ક્લોઝર નોટિસ આપ્યા બાદ હવે 200થી વધુ શાળાઓ સામે ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. અનેકવાર ફાયર NOC મેળવી લેવા માટે ઇન્ટિમેશન આપ્યા બાદ પણ રીઢા થઈ ગયેલા શાળાના સંચાલકોએ આવી નોટિસોને કાને ના ધરતા ફાયર વિભાગે શાળાઓ બંધ કરવા મામલે નોટિસ આપી દીધી છે.

રાજ્યમાં સુરતમાં તક્ષશિલા ક્લાસિસમાં બનેલી આગની ઘટના બાદ ફાયરને લઈને પૂરેપૂરી સેફટીના નિયમોના પાલન થાય તેવો આગ્રહ રાખવામાં આવે છે. આ ઘટનાએ સમગ્ર તંત્રની આખો ખોલી નાખી હતી. આ ઘટના બાદ અનેકવાર અમદાવાદ ફાયર વિભાગે શહેરની અલગ અલગ શાળાઓને ફાયર NOC મેળવી લેવા અને શાળાઓમાં ફાયર સેફટીની સુવિધા ઉભી કરવાની નોટિસો આપી હતી. છતાં કોઈ નોટિસને શાળાના સંચાલકોએ ધ્યાને લીધી નથી.

અમદાવાદ ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યું હતું કે સંચાલકોને અગાઉ અપાયેલી નોટિસ તેઓએ અવગણી છે. જેને લીધે હવે ક્લોઝર નોટિસ આપવાની ફરજ પડી છે. અઠવાડિયા અગાઉ 37 અને ત્યારબાદ અલગ અલગ વિસ્તાર 200થી વધુ શાળાઓને હવે ક્લોઝર નોટિસ અપાઈ ચૂકી છે. શાળાના સંચાલકોને નોટિસ આપવા સાથે 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે. સાત દિવસમાં જો કોઈ કામગીરી નહીં થઈ હોય તો કાર્યવાહી કરવામાં આવશે. ફાયરની આ કામગીરી અંતર્ગત ઇલેક્ટ્રિસિટી કનેક્શન કાપવા, પાણી કનેક્શન કાપવા, સીલ કરવાં અને મેટ્રો કોર્ટમાં શાળાઓ વિરુદ્ધ ફરિયાદ કરવા સુધીના પગલાં  લેવાઈ શકે છે. ફાયર વિભાગની આ ક્લોઝર નોટિસ અંગેની તમામ વિગતો જિલ્લા શિક્ષણ અધિકારીને મોકલી આપી છે. મહત્વનું છે કે જે માતા પિતા પોતાના બાળક માટે સ્પોર્ટસ અને અધર એક્ટિવિટી કરાવતી શાળાઓ શોધે છે ત્યારે આ તમામ વિગતોની સાથે પોતાના બાળકની સેફટી પણ એટલી જ જરૂરી છે. જેથી શાળા પાસે સેફટીની સુવિધાની વિગતો માંગવા પણ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે સૌ માતાપિતા ને અપીલ કરી છે.