Site icon Revoi.in

અમદાવાદમાં ભર ઉનાળે આકાશમાં વાદળો ગોરંભાયા, પવન ફુંકાતા ગરમીમાં થયો ઘટાડો

Social Share

અમદાવાદઃ સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે રાજ્યના અન્ય વિસ્તારોની જેમ અમદાવાદ શહેર અને જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી જ આકાશ વાદળ છાંયું બન્યું હતું.શહેરમાં આગામી 24 કલાક વાદળિયું વાતાવરણ રહેવા સાથે તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ,  આગામી ગુરુવાર અને શુક્રવારે શહેરમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અમદાવાદ શહેરમાં બુધવારે દિવસ દરમિયાન વાદળિયું વાતાવરણ રહ્યું હતું. શહેરમાં વાદળછાંયા વાતાવરણને લીધે તાપમાનમાં ઘટાડો થયો હતો. આવતી કાલે અને ત્યારબાદ શુક્રવારે શહેરમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. શહેરમાં વાતાવરણમાં પલટો આવતા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાની દહેશત ઊભી થઈ છે. કારણ કે હાલ વાયરલ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં જાન્યુઆરીથી 11 માર્ચ સુધીમાં સ્વાઈન ફ્લૂના 43 કેસ નોંધાયા હતા. માર્ચ મહિનાથી પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે. માર્ચના 11 દિવસમાં જ પાણીજન્ય રોગચાળામાં ઝાડા-ઊલટીના 171, ટાઈફોઈડના 160, તથા કમળાના 55 અને કોલેરાનો એક કેસ નોંધાયો છે. માર્ચ મહિનામાં લેવાયા પાણીના નમૂનામાં 108 નમૂનામાં ક્લોરીનનું પ્રમાણ નીલ આવ્યું હતું, તો 19 જેટલા નમૂનામાં બેક્ટેરિયા હોવાથી તે અનફિટ જાહેર થયા હતા. શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ઘટ્યો છે. સાદા મેલેરિયાના 3 કેસ, ડેન્ગ્યુના 11 કેસ તથા ચિકનગુનિયાનો પણ 1 કેસ સામે આવ્યો છે. હવે ફરીવાર વાતાવરણમાં પલટો આવ્યો છે. અને આકાશ વાદળછાયું બનતા વાયરલ કેસોમાં પણ વધારો થાય તેવી શક્યતા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદ શહેરમાં તાપમાનમાં વધારો થયા બાદ વાદળછાયા વાતાવરણથી તાપમાનમાં ઘટાડો થતાં લોકોએ રાહત મેળવી હતી. બુધવારે દિવસ દરમિયાન વાદળછાંયું વાતાવરણ જોવા મળ્યું હતું.