Site icon Revoi.in

વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં મોડી રાત્રે રાહત-બચાવ કાર્ય પર CMની નજર, ઉચ્ચસ્તરિય બેઠકમાં સમીક્ષા

Social Share

ગાંધીનગરઃ ગુજરાત પર તોળાઈ રહેલા ‘બિપરજોય’ વાવાઝોડાની સંભવિત તીવ્ર અસરો સામે સંભવિત અસરગ્રસ્ત 8 જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા કરાયેલી કામગીરીની વિગતો મેળવવા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે મોડી સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને જરૂરી સૂચનો આપ્યા હતા.

મુખ્ય સચિવ રાજકુમારે જિલ્લા તંત્ર વાહકો સાથે યોજેલી બેઠકની વિગતો આપતા મુખ્યમંત્રીને જણાવ્યુ કે વાવાઝોડાની અસર પૂર્ણ થાય કે તરત જ પ્રાથમિક નુકશાનીના અંદાજ માટે જિલ્લા કલેકટરોને સૂચના આપી છે. અસરગ્રસ્તોને કેશડોલ, ઘરવખરી, ઝૂપડાં સહાય, પશુ સહાય જેવી સહાય પૂરી પાડવાની તૈયારી કરવા પણ તંત્રને સૂચના આપી હતી.

તેમણે કહ્યું કે સંભવિત વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. ઘાયલ પશુઓને તત્કાલ યોગ્ય સારવાર મળી રહે તથા પશુ મૃતદેહોના યોગ્ય નિકાલની વ્યસ્થા કરવા પણ તંત્રને ખાસ સૂચના આપવામાં આવી છે. પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લાઓમાં સંભવિત વાવાઝોડાની અસરને પરિણામે પડી ગયેલા વૃક્ષોને ખસેડવાની કામગીરી અને વીજ થાંભલાઓના સમારકામની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે, તેની જાણકારી પણ મુખ્ય મંત્રીને આપવામાં આવી હતી.

આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, દ્વારિકા, જામનગર, મોરબી અને જૂનાગઢમાં ઝાડ પડી જવા અને વરસાદને કારણે કેટલાક ગામોમાં વીજ પુરવઠાને અસર પડી છે તે પુર્વવત કરવા ઊર્જા વિભાગે પુરતી વ્યવસ્થા કરી દીધી છે. મુખ્યમંત્રીએ આ વાવાઝોડાની અસરો જે બે જિલ્લામાં વર્તાવાની શરુ થઈ ગઈ છે તે દ્વારકા અને કચ્છના જિલ્લાના કલેક્ટરો સાથે મોબાઈલ ફોનથી વાત કરીને છેલ્લામાં છેલ્લી પરિસ્થતિની વિગતો મેળવી હતી. રાજ્ય સરકારે સ્થળાંતર પર ખાસ ભાર મૂકીને 8 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ એક લાખથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે તેની વિગતો પણ આપી હતી.

કેન્દ્રીય હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક સુશ્રી મોહંતીના જણાવ્યાનુસાર બિપરજોય વાવાઝોડું આજ રાત્રે કચ્છના જખૌ ખાતે ટકરાશે. આ વાવાઝોડા ને પગલે બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં  આગામી એક બે દિવસ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. આ સંભાવનાને પગલે આ બે જિલ્લાના વહીવટી તંત્રને જરૂરી વ્યવસ્થાઓ સાથે સતર્ક રહીને દર કલાકે સ્ટેટ કંટ્રોલ રૂમને વિગતો પુરી પાડવા સૂચનાઓ આપવામાં આવી છે એટલું જ નહિ પાટણ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારના એક હજાર જેટલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે તેમ મુખ્ય સચિવએ જણાવ્યું હતું.

Exit mobile version