Site icon Revoi.in

રાજકોટમાં એઈમ્સ’ના નિમાર્ણકાર્યની ઝડપ વધારવા ડે.ડાયરેક્ટર તરીકે કર્નલ પુનિતને ચાર્જ સોંપાયો

Social Share

રાજકોટઃ શહેરમાં એઈમ્સ હોસ્પિટલના નિર્માણકાર્ય ઝડપથી પૂર્ણ થાય તે માટે હવે ખુદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા અંગત રસ લઈ રહ્યા છે. બીજી બાજુ એઈમ્સ હોસ્પિટલમાં ડાયરેક્ટર અને ડેપ્યુટી ડાયરેક્ટર વચ્ચે ચાલી રહેલા વૈમનસ્યને લીધે  નિર્માણકાર્યમાં અડચણો આવી રહ્યાનું અનેકવાર ચર્ચાઈ ગયા બાદ અંતે ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કાર્યરત આઈઆરએસ અધિકારી શ્રમદીપસિંહાની બદલી કરીને તેમના સ્થાને સેનાની સિગ્નલ રેજીમેન્ટના કર્નલ તરીકે ફરજ બજાવતા કર્નલ પુનિતને એઈમ્સના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

રાજકોટમાં એઈમ્સ હોસ્પિટલના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. હોસ્પિટલમાં ઓપીડી શરૂ કરી દેવામાં આવી છે. પણ ઓપરેશન થિયેટરથી લઈને બાંધકામ ચાલુ છે, ત્યારે હોસ્પિટલનું બાંધકામ સમયસર પૂર્ણ કરવા માટે વહિવટી તંત્ર અને સંબંધિત વિભાગો સાથે સંકલન કરી શકે તેવા ડેપ્યુટી ડાયરેક્ટરપદે સેનાના અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે. કર્નલ પુનિતે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. તેમના ચાર્જ સંભાળતાંની સાથે જ હવે એઈમ્સ હોસ્પિટલના ડાયરેક્ટર તેમજ ડેપ્યુટી ડાયરેક્ટર એમ બન્ને મહત્ત્વના પદ ઉપર ફૌજી અધિકારીઓ કાર્યરત થઈ ગયા છે. આ પહેલાં એઈમ્સના ડાયરેક્ટર તરીકે કર્નલ (નિવૃત્ત) સીડીએચ કટોચ ફરજ બજાવી રહ્યા હતા ત્યારે હવે તેમની સાથે કર્નલ પુનિત પણ ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે જોડાઈ જતાં બન્નેની સુઝબુઝને કારણે નિર્માણકાર્યમાં ઝડપ જરૂર આવશે તેવો આશાવાદ શહેરીજનો સેવી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં એઈમ્સનું નિર્માણકાર્ય કેવી રીતે ચાલી રહ્યું છે, કોઈ પ્રકારની અડચણ તો નથી નડી રહી ને ? તે સહિતના મુદ્દાની ચકાસણી કરવા માટે સાંસદ મોહનભાઈ કુંડારિયા, અને રામભાઈ મોકરિયા સહિતનાએ તાજેતરમાં સ્થળ નિરીક્ષણ કરી કામની સમીક્ષા કરી હતી. એકંદરે એઈમ્સનું નિર્માણકાર્ય ઑક્ટોબર-2023 સુધીમાં પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક સેવાઈ રહ્યો હોય ત્યાં સુધીમાં કામ પૂર્ણ કરી દેવા માટે તૈયારીઓ ચાલી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એઈમ્સ હોસ્પિટલમાં ઓપીડી સુવિધા 1 જાન્યુઆરી-2022થી કરી દેવામાં આવતાં દરરોજ મોટી સંખ્યામાં લોકો એઈમ્સમાં સારવાર મેળવવા માટે જઈ રહ્યા છે. જો કે એઈમ્સ સુધી પહોંચવાના રસ્તાની હાલત હજુ પણ ખરાબ હોવાને લીધે લોકોને ત્યાં સુધી પહોંચવામાં અડચણો આવી રહી છે. જો કે તેની પરવા કર્યા વગર લોકો અહીં સારવાર માટે આવી રહ્યા છે કેમ કે અહીંની સારવાર કારગત નિવડી રહી છે. બીજી બાજુ નિર્માણકાર્ય વિલંબિત થવા પાછળ ડાયરેક્ટર અને ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કાર્યરત રહી ચૂકેલા શ્રમદીપ સિંહા વચ્ચે કોઈને કોઈ કારણોસર ગજગ્રાહને જવાબદાર ગણવામાં આવતો હોય કેન્દ્ર સરકાર દ્વારા તેની ગંભીરપણે નોંધ લેવામાં આવી હતી અને શ્રમદીપસિંહાની તાત્કાલિક બદલી કરીને તેમના સ્થાને કર્નલ પુનિતને મુકી દેવામાં આવ્યા છે. હવે બન્ને પદ પર ફૌજી કાર્યરત થઈ ગયા હોવાથી શિસ્ત અને સમયસર એઈમ્સનું નિર્માણકાર્ય ચાલશે અને નિર્ધારિત સમયમાં જ તેને પૂર્ણ કરવામાં આવશે તેવો આશાવાદ સેવવો અસ્થાને નથી.