Site icon Revoi.in

ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 10 શહેરમાં ઠંડીનો પારો 13 ડિગ્રી ઉપર પહોંચ્યો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં શિયાળો જામ્યો છે અને જાન્યુઆરીના પ્રારંભ સાથે જ હાલ કડકડતી ઠંડી પડી રહી છે. રાજ્યમાં શીતલહેરનું મોજુ ફરી વળતા લોકો ઠંડીથી ઠુઠવાયા છે. દરમિયાન રાજ્યના 10 શહેરમાં 13 ડિગ્રીની નીચે તાપમાન નોંધાયું છે. રાજ્યમાં આગામી પાંચ દિવસમાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યનું સૌથી ઠુંડુ નગર નલિયા રહ્યું હતું. નલિયામાં લઘુત્તમ તાપમાનનો પારો 8 ડિગ્રીની આસપાસ રહ્યો હતો.

ગુજરાતની હેરિટેજ સિટી અમદાવાદમાં 14.5 ડીગ્રી ઠંડી નોંધાઈ હતી. આવી જ રીતે ગાંધીનગરમાં 13 ડિગ્રી, ડીસામાં 11.3 ડિગ્રી, અમરેલીમાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. રાજકોટમાં 11.5, પોરબંદરમાં 11.2, કેશોદમાં 11, સુરેન્દ્રનગરમાં 12.4 ડિગ્રી ઠંડી નોંધાઇ છે. રાજ્યમાં હજુ પણ ઠંડીનું પ્રમાણ વધશે. હવામાન વિભાગે પાંચ દિવસ સુધી કાતિલ ઠંડી પડવાની આગાહી કરી છે. પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફ હોવાથી રાજ્યમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. રાજ્યમાં ઠંડી વધતા લોકો કડકડતી ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લઈ રહ્યાં છે. ઉત્તરભારતમાં પડેલી હીમ વર્ષાને પગલે રાજ્યમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું છે. દરમિયાન સવારે ગાઢ ધુમ્મસ સર્જાયું હતું. જેથી વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યમાં કડકડતી ઠંડીને પગલે જનજીવનને વ્યાપક અસર થઈ છે.