Site icon Revoi.in

ગુજરાતમાં કોલ્ડવેવ, ઠંડા પવનને લોકોને ધ્રૂજાવ્યાં, કાલે ગુરૂવારથી ઠંડીમાં આંશિક ઘટાડો થશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીનું કાતિલ મોજું ફરી વળ્યું છે. કડકડતી ઠંડીને કારણે જનજીવન પર તેની અસર પડી છે. રાજસ્થાનમાં સક્રિય થયેલાં સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી વાદળિયું વાતાવરણ રહેવા સાથે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંદાયો હતો. અને દિવસરભર ઠંડા પવન ચાલુ રહેતા લોકો ઠંડીમાં ઠૂંઠવાયા હતા.. નલિયામાં સૌથી વધુ 6.2 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.

રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી 24 કલાક ઠંડીનું જોર રહેશે. એ પછી સાઈક્લોનિક સરક્યુલેશનની અસર ઘટતાં 26મીથી 28 જાન્યુઆરી એમ 3 દિવસ અમદાવાદનું લઘુતમ તાપમાન વધીને 13થી 14 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જેને કારણે ઠંડીમાં ઘટાડો થશે. તેમજ 29 જાન્યુઆરીથી ફરીથી ઠંડીનો પારો ગગડીને 11 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે નલિયા સહિત કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. હજુ આગામી બે દિવસ અમદાવાદમાં 10 ડિગ્રીથી નીચે તાપમાન રહેશે. ઠંડીની સાથે પવનની ગતિમાં વધારો થતાં લોકો ઠુંઠવાશે. એટલું જ નહીં વેસ્ટર્ન ડિસ્ટર્બનર્સને લીધે બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. જોકે કાલે ગુરૂવારથી ઠંડીથી આંશિક રાહત મળી શકે છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે. પહાડો પર થઈ રહેલી બરફવર્ષાની અસર દિલ્લી, યુપી, હરિયાણા સહિત અનેક રાજ્યોમાં જોવા મળી રહી છે. કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે વરસાદનું એલર્ટ આપ્યું છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં એક વેસ્ટર્ન ડિસ્ટરબન્સ આવશે જેના કારણે પહાડી વિસ્તારમાં બરફવર્ષા અને મેદાની વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. આ ડિસ્ટરબન્સની અસર પૂર્વ ઉત્તર પ્રદેશ સુધી વર્તાશે એટલે ત્યાં પણ છૂટોછવાયો વરસાદ વરસશે. IMD નુ માનીએ તો પૂર્વી ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. આ પવનની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે