Site icon Revoi.in

ગુજરાતમાં કોલ્ડવેવ, ગિરનારમાં 1.1 ડિગ્રી, કચ્છમાં બરફના થર જામ્યા, મુંદ્રામાં ઠુંઠવાઈ જતાં એકનું મોત

Social Share

અમદાવાદઃ ગુજરાતભરમાં કડકડતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે.  રવિવારે કચ્છનાં નલિયામાં દશ વર્ષ બાદ 1.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા નલિયા બર્ફાગાર બની ગયું હતું. સોમવારે ગિરનારમાં લઘુત્તમ તાપમાન 1.1 ડિગ્રી નોંધાયું હતુ. હવામાન વિભાગે મંગળવાર સુધી કોલ્ડવેવની આગાહી કરી છે.  રાજ્યના 9 શહેરોમાં તાપમાન ગગડીને લઘુતેતમ 10 ડિગ્રીની ઓછું નોંધાયું હતું. સોમવારે નલિયામાં 2 ડિગ્રી, જુનાગઢમાં 6.3 ડિગ્રી, પોરબંદરમાં 6.2 ડિગ્રી, ગાંધીનગરમાં 5.3 ડિગ્રી, ભૂજમાં 7.6 ડિગ્રી, ડીસામાં 7 ડિગ્રી, અને અમદાવાદમાં 7.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. કચ્છના મુંદ્રામાં ઠંડીમાં ઠુંઠવાઈ જતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.

ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારમાં સૂસવાટા મારતા પવનને લીધે  ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હતુ. કચ્છમાં કોલ્ડવેવનું કાતિલ મોજુ ફરી વળ્યું છે. મુન્દ્રામાં ઠંડીમાં ઠુઠવાઈ જતાં એક શ્રમિકનું મોત થયું હતું. નલિયા અને ભુજના તાપમાનમાં આંશિક વધારો થયો હોવા છતાં પણ લોકોને ઠંડીથી રાહત મળે તેવી સંભાવના ઓછી છે. નલિયામાં 2 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. ભુજમાં 7.6 ડિગ્રી અને કંડલા 9.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. સરહદી વિસ્તારોમાં ઝાડપાનથી માંડી ને સોલાર પેનલ સુધી બધેય બરફની ચાદર જામી છે. અબડાસાનાં ધુફી પાસે આવેલા અદાણીનાં સોલાર પાવર પ્લાન્ટની સોલાર પેનલ ઉપર બરફના થર જામ્યા છે. લખપત સહિતનાં છેવાડાનાં વિસ્તારમાં બાવળ અને બોરડી સહિતના ઝાડ પાન પર બરફની ચાદર જોવા મળી રહી છે.

અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. અમદાવાદમાં ઠંડીનો પારો 8 ડિગ્રી સુધી પહોંચી જતાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. શહેરના ગાર્ડનમાં મોર્નિંગ વોક અને કસરત કરવા આવતા લોકોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. હવામાનની આગાહી પ્રમાણે હજુ પણ રાજ્યમાં ઠંડીનો પારો ગગડી શકે છે. હવામાન વિભાગે દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં ઠંડીને લઈને 6 દિવસનું એલર્ટ જારી કર્યુ છે. IMD અનુસાર દિલ્હી-એનસીઆરમાં આગામી 3 દિવસ ભીષણ ઠંડી રહેશે અને પછી 3 દિવસ સમગ્ર ઉત્તર ભારતમાં ગાઢ ધૂમ્મસ રહેશે. બે દિવસથી કાશ્મીરથી લઈને હિમાચલમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. પહાડોને પણ હિમનો બોજ ભારે લાગી રહ્યો છે. 18 જાન્યુઆરી સુધી પરિસ્થિતિ આવી જ રહેવાની આગાહી છે.

Exit mobile version