Site icon Revoi.in

કોમેડી કલાકાર કપિલ શર્માનો આજે 40મો જન્મદિવસ

Social Share

મુંબઈ : કોમેડિયન કપિલ શર્મા તેની કોમેડીથી દરેકનું દિલ જીતી લે છે. તેનું કોમેડી ટાઇમિંગ ખૂબ જ શાનદાર છે. દરેકના ચહેરા પર હાસ્ય લાવનારા કપિલે આ મુકામ સુધી પહોંચવા ખૂબ જ મહેનત કરી છે. કપિલનો જન્મ 2 એપ્રિલ 1981 ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. આજે કપિલના 40 માં જન્મદિવસ પર અમે તમને કોમેડિયન બનવાના તેમના સફર વિશે જણાવીશું. કપિલે કેવી રીતે પોલીસની નોકરી છોડી અને તેના સપના પૂરા કરવાનું નક્કી કર્યું. કપિલની લાઇફ સ્ટોરી કોઈ બોલિવૂડ ફિલ્મથી ઓછી નથી.

જયારે કપિલ 23 વર્ષનો હતો. ત્યારે તેના પિતાનું નિધન થયું હતું. પિતાના નિધન પછી ઘરની તમામ જવાબદારી કપિલના ખભા પર આવી ગઈ હતી. કપિલના પિતા પોલીસમાં હેડ કોન્સ્ટેબલ હતા. પિતાના નિધન પછી કપિલને તેની નોકરી મળી રહી હતી. પરંતુ તેણે આ કામ કરવાનો ઇનકાર કરી દીધો. કારણ કે તે તેના સપના પૂરા કરવા માંગતો હતો. આ પછી કપિલના મોટા ભાઈને આ નોકરી મળી ગઈ અને ઘરનો ખર્ચો ઉઠાવવા માટે કપિલે પીસીઓ પર કામ કરવાનું શરૂ કર્યું હતું.

પીસીઓ પર કામ કરતી વખતે કપિલે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. અને પોતાના સપના પૂરા કરવા માટે મુંબઈ પહોંચ્યો. મુંબઈમાં કપિલે તેના કરિયરની શરૂઆત પંજાબી ચેનલના શો હંસદે હસાંદે રહોથી કરી હતી. પરંતુ તેમને તેની વાસ્તવિક ઓળખ ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જથી મળી. કપિલએ આ પહેલા અમૃતસરમાં આ શો માટે ઓડીશન આપ્યું હતું. પરંતુ ત્યાંથી તેને રીજેક્ટ કરવામાં આવ્યો હતો. તો પણ તેણે હાર માની નહીં અને દિલ્હીમાં ફરીથી ઓડિશન આપ્યું. ત્યારબાદ કપિલની પસંદગી થઈ. લાફ્ટર ચેલેન્જ જીત્યા બાદ કપિલે ક્યારેય પાછું વળીને જોયું નહીં.

ત્યારબાદ કપિલ સોની ટીવી શો કોમેડી સર્કસ પર આવ્યો. આ શો જીત્યા પછી તે પોતાનો કોમેડી શો લાવ્યો. જે બાદ આમ ને આમ જોતા કપિલ કોમેડી કિંગ બની ગયો. કપિલે બોલિવૂડમાં પણ પ્રવેશ કર્યો છે. હવે ટૂંક સમયમાં તે ઓટીટી પ્લેટફોર્મ પર પણ ધૂમ મચાવશે.

                                                      દેવાંશી