Site icon Revoi.in

ગ્રામ પંચાયતોના કોમ્યુટર ઓપરેટરોની હડતાળ, તાત્કાલિક નોકરીમાંથી છૂટા કરવા સરકારનો આદેશ

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા ગ્રામ્ય કોમ્યુટર સાહસિકને વીસીઈના નામથી ઓળખવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી વીસીઈ કર્મચારી સંગઠનોએ સરકાર સામે આંદોલનનું રણશીંગુ ફૂક્યું છે. વીસીઈના આંદોલનને કારણે ગ્રામ્યસેવા ઠપ થઈ ગઈ છે. ત્યારે સરકારે વીસીઈની હડતાળ સામે લાલ આંખ કરી છે. અને હડતાળીયા VCEને તાત્કાલિક અસરથી છૂટા કરવા તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા હુકમો છોડવામાં આવ્યા છે. એટલે સુધી કે, આ VCEના આઇડી પણ તાત્કાલિક બંધ કરવાની સૂચના જારી કરવામાં આવી છે. જો આ કામગીરી કરવામાં કસુર કરવામાં આવશે અને ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેમની જવાબદારી રહેશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે. આવા ચીમકીભર્યા પત્રોથી કર્મચારીઓમાં ભારે રોષ અને અસંતોષની લાગણી પ્રવર્તી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા વીસીઈ યાને કોમ્યુટર ઓપરેટરોનું પગારના પ્રશ્ને છેલ્લા ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું છે.ત્યારે ગ્રામ્ય કોમ્પ્યુટર સાહસિક (VCE) ને તાત્કાલિક અસરથી છૂટા કરી દેવા માટે તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા હુકમો ફરમાવવામાં આવ્યા છે. તાલુકા વિકાસ અધિકારીઓએ ગ્રામ પંચાયતોના મંત્રીઓને એવી લેખિત સુચના આપી છે. કે,  તમારા ગામની ઇ-ગ્રામ પંચાયતોમાં પબ્લિક પાર્ટનરશીપના ધોરણે VCE સેવા આપી રહ્યા છે. જેમાંથી અમૂક ગ્રામ્ય કોમ્પ્યુટર સાહસિક (VCE) તા. 8 સપ્ટેમ્બરથી ગ્રામ પંચાયત ખાતે કામગીરી બંધ રાખી હડતાળમાં જોડાયા છે. આ VCE છેલ્લા 15 દિવસથી ગ્રામ પંચાયત કચેરી ખાતે હાજર રહ્યા નથી. જેથી પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલા ગ્રામ કોમ્પ્યુટર સાહસિક માટેની માર્ગદર્શિકાઓને ધ્યાને લેતાં તેઓ સાથે કરેલા કરારની શરત નંબર 15 ને ધ્યાને લઇ નિયમોનુસાર ઘટતી કાર્યવાહી હાથ ધરી ગ્રામ પંચાયત ખાતે આજ સુધી હાજર ના થયેલા VCEની વિગતો આપવી અને સંબંધિત VCEને તાત્કાલિક અસરથી છૂટા કરી અત્રે રિપોર્ટ કરવા જણાવવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ તેઓને છૂટા કરતા પહેલા તેઓ સાથે નાણાંકીય લેવડ-દેવડ બાકી હોય તે પૂર્ણ કરવાની રહેશે. તથા તેઓને ઇ-ગ્રામ સોસાયટી દ્વારા સુપ્રિત કરવામાં આવેલા હાર્ડવેર તથા સોફ્ટવેર સહિતની તમામ માહિતી મેળવી લેવાની રહેશે. તેમજ તે VCEનું એસએસઓ આઇડી તાત્કાલિક બંધ કરવાનું રહેશે. અન્યથા આ બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેની સીધી જવાબદારી તમારી રહેશે તેવી ચીમકી પણ આપી છે. જોકે રાજ્ય સરકારે વીસીઈની હડતાળ સામે આંકરૂ વલણ લેતા કોમ્યુટર ઓપરેટર કર્મચારીમાં નારાજગી ઊભી થઈ છે.