Site icon Revoi.in

લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં કોંગ્રેસએ હજુ સાત બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી

Social Share

અમદાવાદઃ ભાજપએ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે તમામ 26 બેઠકોના તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટેના 5 બેઠકોના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા લોકસભાની 7 બેઠકોના અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે 5 બેઠકોના ઉમેદવારો હજુ જાહેર કરાયા નથી. ત્યારે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો કોને ટિકિટ મળશે તેની રાહ જોઈ રહ્યા છે.

કોંગ્રેસે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે 26માં બેઠકોમાંથી  17 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. કોંગ્રેસે ભરૂચ તથા ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટી સાથે જોડાણ કર્યું છે. આમ આદમી પાર્ટીએ તેના બે ઉમેદવારો જાહેર કરી દેતા કોંગ્રેસ અને આપના કુલ મળીને 19 ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે. હવે કોંગ્રેસના જે  સાત ઉમેદવારોના નામ બાકી છે. તેની રાહ જોવામાં આવી રહી છે. કોંગ્રેસના ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. જેમાં મહેસાણા, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા, નવસારી અને અમદાવાદ પૂર્વનો સમાવેશ થાય છે.  અમદાવાદ પૂર્વમાં તો કોંગ્રેસ પહેલા રોહન ગુપ્તાને ટિકિટ આપી હતી. પરંતુ તેમણે ચૂંટણી લડવાનો ઈનકાર કરતા અને ત્યારબાદ કોંગ્રેસમાંથી જ રાજીનામું આપી દીધું હતું. જેના કારણે કોંગ્રેસ અમદાવાદ પૂર્વથી કોઈ નવા ચહેરાની શોધમાં છે.

સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ સૌરાષ્ટ્રની ત્રણ, મધ્ય ગુજરાતની બે તથા ઉત્તર અને દક્ષિણ ગુજરાતની એક-એક ઉમેદવારો માટે કોંગ્રેસ દ્વારા મંથન ચાલી રહ્યું છે. જેમાં સુરેન્દ્રનગરની બેઠક પર  પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશ અને ધારાસભ્ય ઋત્વિજ મકવાણાનું નામ ચર્ચાય રહ્યું છે. જ્યારે  રાજકોટમાં બેઠક પર  પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરતાં હવે  હિતેષ વોરા અને ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નામ ચર્ચાય રહ્યું છે. તેમજ જૂનાગઢની બેઠક પર હીરાભાઈ જોટવા અને જલ્પા ચુડાસમાનું નામ સૌથી આગળ છે. મહેસાણામાં પાટીદાર વર્સિસ ઠાકોરનો જંગ જોવા મળી શકે છે. મહેસાણામાં કોંગ્રેસ ઠાકોરને ઉતારે તો નવાઈ નહીં…મહેસાણામાં પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રણજીત ઠાકોરનું નામ ટોપ પર ચાલી રહ્યા છે. આ બન્નેમાંથી કોઈ એક ઉમેદવાર બની શકે છે. તો નવસારીમાં કોઈ પરપ્રાંતિય પર પસંદગી ઉતારવામાં આવી શકે છે.  વડોદરાથી જશપાલસિંહ પઢિયાર અને ચંદ્રકાંત શ્રીવાસ્તવનું નામ ચર્ચામાં છે. જ્યારે અમદાવાદ પૂર્વથી પાટીદાર સમાજને કોંગ્રેસ ટિકિટ આપે તેવું મનાઈ રહ્યું છે.