Site icon Revoi.in

સુરતમાં કુંભાણીના ફોર્મ રદના મુદ્દે કલેક્ટર સહિતનાને આરોપી બનાવવા કોંગ્રેસે CPને કરી અરજી

Social Share

સુરતઃ લોકસભાની ચૂંટણીમાં સુરતની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતાં અને અન્ય અપક્ષ સહિત અન્ય પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર બિન હરીફ ચૂંટાઈ આવ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર અને તેના સાક્ષીઓના ભાજપ સાથેના સેટિંગને લીધે ઉમેદવારી રદ થઈ હોવાનું કોંગ્રેસના કાર્યકરોનું માનવું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા નિલેશ કૂંભાણી. તેના સાક્ષીઓ અને કલેક્ટર સહિતને આરોપી બનાવીને ફરિયાદ નોંધાવા માટે શહેર પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે.

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે મતદાન થાય તે પહેલાં જ ભાજપની ઝોળીમાં બેઠક મુકી દેનારા સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સામે કોંગ્રેસી કાર્યકરોનો રોષ શાંત થતો નથી. સોમવારે નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસ લીગલ સેલ અને કાર્યકર્તાઓએ સુરત પોલીસ કમિશનરને અરજી આપી હતી.

ગુજરાતની સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર કરાતા છેલ્લા પંદરેક દિવસથી દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. સુરત કલેક્ટરે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કર્યુ હતું. ત્યારબાદ ભાજપના ઉમેદવારને વિજેતા જાહેર કરીને બેઠક બિનહરીફ હોવાની જાહેરાત કરાઈ હતી. ત્યારે કોંગ્રેસે આ મુદ્દે પખવાડિયા બાદ કાયદાકીય લડત શરૂ કરી છે. જેમાં સુરત કલેક્ટરને જ આરોપી બનાવી દીધા છે અને તેમના વિરૂધ્ધ ફરિયાદ કરવા માટે સુરત પોલીસ કમિશનરને અરજી આપી છે. અરજીમાં કોંગ્રેસ ઉમેદવારને ડિસ્કવોલિફાઈડ કરવાના ઈરાદે 3 ડોક્યુમેન્ટમાં ટેકેદારના હસ્તાક્ષરનો ચાલાકીપૂર્વક ઉલ્લેખ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં, કલેક્ટર શરૂઆતથી જ કોઈકના પ્રભાવમાં ફોર્મ રદ કરવા માગતા હોવાનો આરોપ લગાવ્યો હતો.

કોંગ્રેસ તરફથી વકીલ સમીર શેખે જણાવ્યું હતું કે, અશોક પીંપળે, કોંગ્રેસ પક્ષના મેમ્બર છે અને હાઈકમાન્ડના આદેશથી તેમના દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. નિલેશ કુંભાણીના ત્રણ ફોર્મ હતા, જેમાં ત્રણેય ટેકેદાર છે, ત્રણ ટેકેદાર, કલેક્ટર અને તપાસમાં નીકળી આવે એ તમામ વિરૂધ્ધ એફઆઈઆર કરવાની એક અરજી આપવામાં આવી છે. ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ઈન કેસ ઓફ કોગ્નીઝેબલ ઓફેન્સ, તાત્કાલિક ફરિયાદ રજિસ્ટર થવી જોઈએ. જે પણ તપાસ થાય તે રજિસ્ટ્રેશન એફઆઈઆર પછી જ થવી જોઈએ. એફઆઈઆર વગર કોઈપણ પ્રકારની તપાસ થઈ શકે નહીં. (File photo)