Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની બજેટ બેઠક પહેલા કોંગ્રેસે ચાર અસંતુષ્ઠ કોર્પેરેટરને મનાવી લીધા

Social Share

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં વિપક્ષના નેતા બનવા માટે કોંગ્રેસના કોર્પોરેટરોમાં ભારે ખેંચતાણ ચાલી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્યોએ પણ પોતાના માનીતા કોર્પોરેટરને વિપક્ષના નેતા તરીકે બેસાડવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. મ્યુનિ.વિપક્ષ નેતા પદ માટે લગભગ 11 મહિના સુધી જંગ ચાલ્યા બાદ શહેજાદખાન પઠાણની નિમણૂક  કરાતા કોંગ્રેસના નારાજ કોર્પોરેટરોએ મ્યુનિ. બોર્ડ બેઠકમાં હાજરી ન આપતાં મામલો વધુ ગૂંચવાયો હતો. અંતે કોંગ્રેસમાં થયેલા સમાધાનની ફોર્મ્યુલા પ્રમાણે 4 બળવાખોર કોર્પોરેટરને એક-એક વર્ષ માટે મ્યુનિ.માં વિપક્ષી નેતા બનાવાશે. આમ કોંગ્રેસના નારાજ કોર્પોરેટરોને મનાવી લેવામાં આવ્યા છે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં વિપક્ષી નેતાને કાર સહિત સુવિધા આપવામાં આવતી હોય છે. એટલે આ મોભાદાર સ્થાન મેળવવા માટે કોંગ્રેસના કોર્પોરેટરોએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. પણ કોગ્રેસના પ્રદેશ કમાન્ડે વિપક્ષના નેતા તરીકે શહેજાદખાન પઠાણની નિયુક્તિને મહોર મારતા કોંગ્રેસના કેટલાક કોર્પોરેટરો નારાજ થયા હતા. અને મ્યુનિ.ની બેઠકમાં હાજરી આપવાનું ટાળતા હતા. હવે 18 ફેબ્રુઆરીની મ્યુનિ. બોર્ડની બજેટ બેઠકમાં હાજરી આપવા માટે નારાજ કોર્પોરેટરોને મનાવી લીધા છે. હવે આગામી બજેટ બેઠકમાં તમામ કોર્પોરેટરો સાથે મળીને કોંગ્રેસને મજબૂત કરશે.

અમદાવાદ મ્યુનિ. કોંગ્રેસના 23 પૈકી 9 જેટલા સિનિયર કોર્પોરેટરોએ વિરોધપક્ષના નેતા પદ માટે ચલાવેલા અભિયાન બાદ પક્ષની પસંદગી સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ નારાજગીને પરિણામે મ્યુનિ.ની બોર્ડની બેઠકમાં પણ આ સભ્યો નિષ્ક્રિય રહ્યા હતા. ત્યારે હવે આગામી બોર્ડની બેઠકમાં સિનિયર કોર્પોરેટરના માર્ગદર્શનની આવશ્યકતા જણાતા કોંગ્રેસે તમામ કોર્પોરેટરને બોલાવી સમાધાન કરાવ્યું હતું. જેથી હવે આગામી દિવસોમાં આ કોર્પોરેટરો દ્વારા પણ બજેટમાં કેટલાક કોંગ્રેસ તરફી સુધારા કયા કરવા તેની માહિતી આપવામાં આવશે. એટલું જ નહીં પણ આગામી બજેટ બેઠકમાં પણ આ સિનિયર સભ્યો દ્વારા રજૂઆતો કરવામાં આવશે.

નોંધનીય છેકે, છેલ્લા કેટલાક દિવસોથી વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણ પણ આક્રમક નેતાગીરી શરૂ કરી દીધી હતી. તે પણ બાબત સૂચક જણાતી હતી. શુક્રવારે 4 ધારાસભ્યો, 23 કોર્પોરેટર સહિતના મોવડીમંડળની મેળલી બેઠકમાં તમામ સભ્યો વચ્ચે સુખદ સમાધાન કરાવાયું હતું.