અમદાવાદઃ શહેરના વિવિધ વિસ્તારોમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કરોડાના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યા છે. શહેરના યુવાનો સ્પોર્ટ્સ એક્ટિવિટી કરી શકે તે માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાયા છે. હવે તેને પીપીપીના ધારણે માનીતા કોન્ટ્રાકરોને પધરાવી દેવામાં આવી રહ્યા છે. તેનો કોંગ્રેસે વિરોધ કર્યો છે, કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. કે, મ્યુનિ કોર્પોરેશનની રીક્રિએશન કમિટી દ્વારા શહેરમાં વિવિધ સ્થળે બનાવવામાં આવેલા સ્પોર્ટસ કોમ્પલેક્ષ પાછળનો હેતુ શહેરના યુવા ખેલાડીઓને રમત ગમતની સુવિધા આપવા કરતા પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવાનો હોય તેવુ સ્પષ્ટપણે દેખાઇ આવે છે.
શહેર કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલા મણીનગર સ્પોર્ટસ સંકુલ પોતાની રીતે ચલાવવાને બદલે પોતાના માનીતા કોન્ટ્રાક્ટરને દસ વર્ષ માટે પી.પી.પી ધોરણે ચલાવવા માટે નજીવી રકમ લઇ પધરાવી દેવામા આવ્યુ છે. અગાઉ રીવરફ્રન્ટ ખાતે બનાવવામાં આવેલું સ્પોર્ટસ કોમ્પલેક્ષ એક કોન્ટ્રાક્ટને આપવા માટે 4 વર્ષ સુધી સ્પોર્ટસ કોમ્પલેક્ષ બંધ રાખવામા આવ્યુ. અને હવે 4 વર્ષ બંધ રાખ્યા બાદ આ કોમ્પલેક્ષનો કોન્ટ્રાક્ટ એક કંપનીને આપવાનુ આયોજન કરવામા આવ્યુ છે. આજ રીતે શહેરમાં બનાવવામાં આવેલા ટેનીસ કોર્ટ બંધ અવસ્થામાં જોવા મળી રહ્યા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન દ્વારા મણિનગર વિસ્તારમાં બનાવાયેલું સ્પોર્ટસ કોમ્પ્લેક્સને 10 વર્ષ માટે પી.પી.પી. ધોરણે ચલાવવા માટે આપી દેવામા આવ્યુ તે પાછળ સત્તાધારી પક્ષનો હેતુ સાફ દેખાઇ આવે છે કારણ કે કોઇને પણ કોન્ટ્રાક્ટ વધુમાં વધુ 3 વર્ષ માટે આપી શકાય અને જો કોન્ટ્રાક્ટરની કામગીરી યોગ્ય જણાય તો ત્યારબાદ મુદ્દત વધારી શકાય. પણ એક સાથે 10 વર્ષ માટે કરોડોના ખર્ચે બનેલું બિલ્ડિંગ કોન્ટ્રાક્ટરને સોંપી દેવું ઉચિત નથી. અમદાવાદ મ્યુનિ કોર્પોરેશનનો હેતુ યુવાનોને સ્પોર્ટસ સુવિધા આપવાનો નહી, પરંતુ કોન્ટ્રક્ટરોના લાભનો હોઇ આ રીતે 10 વર્ષના લાંબા સમયગાળા માટે પોતાના માનીતા કોન્ટ્રાકટરને પધરાવી દેવામા આવ્યુ છે. આ કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ 10 વર્ષનો નહી પરંતુ 3 વર્ષનો કરવામાં આવે અન્યથા આ પ્રક્રિયાનો કૉંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ કરવામા આવે છે. (file photo)