Site icon Revoi.in

AMCનો પ્રિ-મોન્સુન પ્લાન નિષ્ફળ જતાં કોંગ્રેસ દ્વારા મ્યુનિ.કચેરી સામે કરાયો ઉગ્ર વિરોધ

Social Share

અમદાવાદઃ શહેરમાં વરસાદને કારણે રોડ-રસ્તાઓ પર અને કેટલાક ઘરોમાં પાણી ભરાતા શહેરીજનોનો મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધિશો સામે રોષ ઊભો થયો છે. મ્યુનિ,કોર્પોરેશનનો પ્રિ-મોન્સુન પ્લાન નિષ્ફળ ગયાનો શહેરીજનો આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા બુધવારે મ્યુનિ,ની કચેરી સામે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.  વિપક્ષના નેતા શહેઝાદ ખાન અને શહેર પ્રમુખ નીરવ બક્ષી સહિત કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં. અમદાવાદ શહેરમાં પડેલા અનરાધાર વરસાદમાં શહેર પાણી પાણી થઈ ગયું હતું અને સતત બે દિવસ સુધી પાણીનો નિકાલ થયો નહતો. મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિમોન્સુન કામગીરી નિષ્ફળ ગઈ હોવા સાથે મ્યુનિ. કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠ કચેરીનો કોંગ્રેસના કોર્પોરેટરો તેમજ કાર્યકર્તાઓ દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ અને શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષીની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. હાય રે મેયર, હાય રે કમિશનર, ભાજપ હાય હાય, ભાજપનો વિકાસ ગાંડો થયો છે. એવા સૂત્રો સાથે કોંગ્રેસ દ્વારા મ્યુનિ.કચેરી સામે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ગોમતીપુરના કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ શેખ પોતાના શરીરે પાટાપિંડી કરી અને વિરોધ પ્રદર્શન કરવા આવ્યા હતા.તેમણે કહ્યું કે, અમદાવાદ શહેરના રસ્તાઓ એટલા ખરાબ કે છે લોકો હેરાન થાય છે. અનેક લોકો રસ્તામાં પડ્યા છે અને ઈજાગ્રસ્ત થયા છે. મેયર અને કમિશનરને વિનંતી છે કે જ્યાં આવા બનાવ બન્યા છે ત્યાં અધિકારીઓ સામે પગલાં લેવા જોઈએ.

વિપક્ષ કોંગ્રેસ દ્વારા બુધવારે બપોરે વિરોધ પ્રદર્શનના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસને પોલીસ છાવણીમાં ફેરવી દેવાઈ હતી. કારંજ પોલીસ સ્ટેશનનો કાફલો દાણાપીઠ કચેરીમાં ઉતારી દેવાયો હતો. મ્યુનિ.કચેરીના બંને ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા બંને ગેટ બંધ કરી દેવાતા લોકોને અવરજવરમાં પણ મુશ્કેલી પડી હતી. મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન કરતા રોડ ચક્કાજામ થઈ ગયો હતો. દરમિયાન વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટ અને ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ સમક્ષ આવેદનપત્ર આપી અને રજૂઆત કરતા જણાવ્યું હતું કે વરસાદમાં દરેક વોર્ડ અને વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. ગટર સફાઈના રૂ. 6.61 કરોડ ખર્ચ કર્યા છે પરંતુ પરિણામ શૂન્ય છે. મ્યુનિ. કોર્પોરેશનની પ્રિ મોન્સૂન કામગીરી નિષ્ફળ ગઈ છે. શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષીએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટમાં રિપોર્ટ મુકાયો છે કે 80 ટકા રોડ ખરાબ છે. શહેરની આવી ખરાબ પરિસ્થિતિ છે જે લોકોને નુકસાન થયું છે તેઓને વળતર આપવામાં આવે. અન્ય કોર્પોરેટરોએ રજુઆત કરી હતી કે આજે પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. અધિકારીઓને સૂચના આપવામાં આવે કે પાણીનો ઝડપી નિકાલ કરવામાં આવે. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, શૈલેષ પરમાર, શહેર પ્રભારી બિમલ શાહ, શહેર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

Exit mobile version