Site icon Revoi.in

ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણી માટે ફેબ્રુઆરીના અંત સુધીમાં ઉમેદવારો જાહેર કરાશે

Social Share

રાજકોટઃ  લોકસભાની ચૂંટણીની હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પણ મુદત પૂર્ણ થવામાં ગણતરીના મહિના બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રસે દ્વારા ચૂંટણી સમિતિની બેઠક તાજેતરમાં મળી હતી. જેમાં લોકસભાની ચૂંટણીમાં પ્રચાર માટે પુરતો સમય મળી રહે તે માટે ફેબ્રુઆરીના અંત સુધીમાં  ઉમેદવારોની પસંદગી પૂર્ણ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકની હાજરીમાં પાર્ટીની ચૂંટણી સમિતિ તથા રાજકીય બાબતોની સમિતિની બેઠક યોજવામાં આવી હતી.જેમાં  કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના સિનિયર નેતાઓની ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં રાજ્યની વર્તમાન રાજકીય સ્થિતિનું મંથન કરવામાં આવ્યું હતું અને ચૂંટણી તૈયારી-આયોજનોની સમીક્ષા કરવામાં આવી હતી. તેના આધારે અમુક મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા હતાં. લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર પસંદગીમાં ખેંચતાણ ન થાય અને વહેલીતકે પસંદગી થાય તે માટે ચર્ચા થઇ હતી અને એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ચૂંટણીમાં સંગઠન મારફત જ નેતાઓએ દાવા કરવા પડશે. કોઇ સીધી દાવેદારી નહીં કરી શકે અને આવા નામોને ધ્યાને નહીં લેવાય. સંગઠન સ્તરે નેતાઓ પાસેથી દાવા મેળવી-ચકાસણી કરીને નેતાગીરી રીતે મોકલવાના રહેશે તેના આધારે ચૂંટણી સમિતિ જાન્યુઆરી અંત સુધીમાં બે-બે દાવેદારોની પેનલ તૈયાર કરી લેશે. ફેબ્રુઆરી અંત સુધીમાં તમામ બેઠકોના ઉમેદવારો જાહેર કરી દેવાશે. કોઇ બેઠક માટે સંગઠન દ્વારા સીંગલ નામ મોકલવામાં આવ્યું હોય તો ઉમેદવારને વહેલી જાણ કરી દેવામાં આવશે. ઉમેદવારોને પ્રચાર માટે પર્યાપ્ત સભા મળી શકે તે માટે ચૂંટણી જાહેર થયા પૂર્વે જ ઉમેદવારોના નામો ફાઇનલ કરવાની રણનીતિ છે.

આ બેઠકમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા મામલે પણ ચર્ચા કરવામાં આવી હતી. પ્રદેશ નેતાગીરી દ્વારા જીલ્લા પંચાયત તથા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સાથેની બેઠકમાં બુથ મેનેજમેન્ટ સહિતના મામલે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.