Site icon Revoi.in

ચૂંટણી લડવી કે મતદાન કરવું એ મૂળભૂત અધિકાર નથી: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

Social Share

નવી દિલ્હી, 11 એપ્રિલ 2026: સુપ્રીમ કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે, ભારતમાં મતદાન કરવાનો અધિકાર કે ચૂંટણી લડવાનો અધિકાર એ ‘મૂળભૂત અધિકાર’ નથી. સર્વોચ્ચ અદાલતે ભારપૂર્વક જણાવ્યું છે કે આ બંને અધિકારો સંપૂર્ણપણે કાયદા દ્વારા સંચાલિત થાય છે અને બંધારણ હેઠળ તેને મૌલિક અધિકારનો દરજ્જો આપવામાં આવ્યો નથી.

જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ આર. મહાદેવનની ખંડપીઠે રાજસ્થાનના જિલ્લા દૂધ સંઘોની ચૂંટણી સાથે જોડાયેલા વિવાદની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે, મતદાનનો અધિકાર અને ચૂંટણી લડવાનો અધિકાર એ બે અલગ બાબતો છે. મતદાનનો અધિકાર વ્યક્તિને લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગ લેવાની તક આપે છે, જ્યારે ચૂંટણી લડવાનો અધિકાર એક વિશિષ્ટ અધિકાર છે જેના પર કાયદાકીય શરતો, લાયકાત અને ગેરલાયકાતના નિયમો લાગુ પડે છે.

અદાલતે પોતાના નિર્ણયમાં ‘જ્યોતિ બસુ વિરુદ્ધ દેવી ઘોષાલ (1982)’ અને ‘જાવેદ વિરુદ્ધ હરિયાણા રાજ્ય (2003)’ જેવા જૂના કેસોનો સંદર્ભ આપતા કહ્યું કે, “આ અધિકારો માત્ર કાયદા દ્વારા જ આપવામાં આવ્યા છે અને તેને તેટલી જ સીમા સુધી લાગુ કરી શકાય છે જેટલી કાયદો પરવાનગી આપે છે.”

સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે રાજસ્થાન હાઈકોર્ટે મતદાન અને ચૂંટણી લડવાના અધિકારને સમાન ગણીને ભૂલ કરી હતી. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું કે સહકારી સંસ્થાઓ અથવા અન્ય સંસ્થાઓ તેમની પેટા-નિયમો દ્વારા ચૂંટણી પ્રક્રિયા અને પ્રતિનિધિત્વને નિયંત્રિત કરી શકે છે. હાઈકોર્ટે તમામ પ્રભાવિત પક્ષોને સાંભળ્યા વિના જે આદેશ આપ્યો હતો તેને સુપ્રીમ કોર્ટે કુદરતી ન્યાયના સિદ્ધાંતનું ઉલ્લંઘન ગણાવી રદ કર્યો છે.

આ નિર્ણયથી હવે એ સાફ થઈ ગયું છે કે જો કોઈ કાયદો ચૂંટણી લડવા માટે અમુક શરતો (જેમ કે શૈક્ષણિક લાયકાત કે સંતાનોની સંખ્યા) નક્કી કરે, તો તેને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ગણીને પડકારી શકાશે નહીં, કારણ કે આ અધિકારો કાયદાને આધીન છે.

આ પણ વાંચોઃ એલપીજી સિલેન્ડર બુકીંગના ચાર-પાંચ દિવસમાં ગ્રાહકને મળશે

Exit mobile version