અમદાવાદઃ કોરોનાનો ડર તો દરેકને સતાવી રહ્યો છે. જેમાં ગત કોરોનાકાળમાં વેપાર-ધંધાને અગણિત નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. જેની હજુ કળ વળી નથી ત્યાં ફરી કોરોએ ઉઠલો મારતા વેપારીઓ ચિંતિત બન્યા છે. અમદાવાદ સહિત મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂની અમલવારી શરૂ થઈ ગઈ છે. પહેલી બે લહેરમાં લોકડાઉનમાં દુકાનો- વ્યાપાર- ઉદ્યોગ બંધ રહેવાને કારણે આ વખતે વેપારીઓએ વેપારનીતિ બદલી છે. કાપડ બજારથી લઇને સોનીબજારમાં લાંબા ગાળાના રોકાણ-ખરીદી વગેરે અટકાવી દીધી છે, તો સોનીબજારમાં બીજા રાજ્યમાંથી મળતા ઓર્ડર પર અત્યારે બ્રેક લાગી ગઇ છે. હાલ અત્યારે બજારમાં જે ખરીદી છે તે લગ્ન માટેની હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.
જ્વેલરી એસોસિએશનના સૂત્રોએ જણાવ્યું હતુ કે, હાલ યુપી, બિહાર, દિલ્હી- મુંબઈ વગેરે શહેરોમાંથી જે ઓર્ડર આવે છે તે હાલ ઘટી ગયા છે. ઓર્ડર ઘટવાની શરૂઆત ડિસેમ્બરના અંત મહિનાથી અને જાન્યુઆરી મહિનાની શરૂઆતથી થઈ છે. અત્યારે જે કામ ચાલે છે તેમાં સ્થાનિક કામ વધારે છે. તેમજ લોંગ ટાઈમ માટેના જે ઓર્ડર છે તે વેપારીઓ ખુદ લેતા નથી. વેપારીઓનું માનવું છે કે, જો લાંબા ગાળાના ઓર્ડર લેવામાં આવે અને વેપાર પર લોકડાઉન લાગી જાય કે નવા નિયમો આવે તો રોકાણ વધી જાય અને આ નાણાં છૂટા થતા સમય લાગે. એટલે મોટા ઓર્ડર લેવાનું બંધ કરી દીધુ છે.
હોલસેલ ટેક્સટાઈલ્સ મર્ચન્ટ એસોસિએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, અત્યારે કાપડના વેપારીઓ જરૂર પૂરતો જ સ્ટોક મગાવી રહ્યા છે. મગાવેલો સ્ટોક વેચાઈ ગયા બાદ બીજો ઓર્ડર નોંધાવે છે.દિવાળી-લગ્ન સિઝનમાં બધા લોકોએ બલ્કમાં સ્ટોક મગાવી લેતા હતા કે એડવાન્સમાં સ્ટોક મગાવી લેતા હતા,પરંતુ અત્યારે ચિત્ર બદલાયું છે. બીજા રાજ્યમાં જ્યાં લોકડાઉન કે રાત્રિ કર્ફ્યૂ લાગુ કર્યું છે. તેની અસર પણ અત્યારે જોવા મળી રહી છે. કોઇ એક ખરીદી માટે પહેલા ગ્રૂપમાં આવતા હતા. તેના બદલે અત્યારે બજારમાં જે લોકો ખરીદી માટે આવે છે તેવા લોકો ગ્રૂપમાં આવવાને બદલે જરૂર પૂરતા જ આવે છે.