Site icon Revoi.in

કોરોનાને લીધે પાઠ્ય-પુસ્તક વિક્રેતાઓને મોટો ફટકોઃ નવા સત્ર માટે વેપારીઓની મુંઝવણ

Social Share

અમદાવાદ : કોરોનાને લીધે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મીની લોકડાઉન જેવી સ્થિતિ છે. નાના-મોટા તમામ શહેરોમાં વેપારીઓએ સ્વયંભૂ દુકાનો બંધ કરી દીધી છે. ત્યારે નાના વેપારીઓની હાલત કફોડી બની છે. શિક્ષણ કાર્ય તો ઘણા દિવસથી ઠપ છે. મોટાભાગના વિદ્યાર્થીઓ તો આખુ યે વર્ષ ઓનલાઈન ભણ્યા છે. હવે શાળા કોલેજોમાં ઉનાળુ વેકેશન પણ જાહેર કરી દેવામાં આવ્યુ છે. નવુ સત્ર ક્યારે શરૂ થશે તે પરિસ્થિતિને અનુલક્ષીને સરકાર નિર્ણય કરશે. આવી સ્થિતિમાં પાઠ્ય પુસ્તકના વિક્રેતાઓની હાલત કફોડી બની છે. રાજ્યમાં પાઠ્ય-પુસ્તકો અને નોટ્સબુક્સનું બજારનું ટર્ન ઓવર કરોડા રૂપિયાનું છે. નવા શૈક્ષણિક વર્ષ માટે પુસ્તકો અને નોટ્સ બુક્સનો ઓર્ડર આપવો કે કેમ તે અંગે વેપારીઓ અવઢવ અનુભવી રહ્યા છે.

કોરોનાના સંક્રમણને લીધે શાળા-કોલેજો બંધ કરવાની નોબત આવી પડી છે, આ પરિસ્થિતિમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય પણ ઠપ થઈ ગયું છે, જેની અસર પાઠય-પુસ્તક વિક્રેતાઓના વ્યવસાય પર પડી રહી છે. રાજ્યમાં વર્ષે કરોડોનું ટર્ન ઓવર ધરાવતા આ વ્યવસાયની ખરીદીમાં ઓટ આવતાં વેપારીઓની હાલત કફોડી બની છે. સામાન્ય રીતે  દરેક જિલ્લામાં દર વર્ષે સરેરાશ  ધો. 1થી 8ના એક-એક ધોરણ દીઠ 4થી પ હજાર સેટ પુસ્તકના આવતા હોય છે, જેનું વાર્ષિક ટર્ન ઓવર એકથી દોઢ કરોડ જયારે નોટબુકોનું અંદાજે 8થી 10 કરોડનું ટર્ન ઓવર થતું હોય છે, પરંતુ છેલ્લા દોઢેક વર્ષથી કોરોના મહામારીનું સંક્રમણ વધી જવાથી લોકડાઉનના કારણે શાળા -કોલેજો બંધ કરી દેવામાં આવી છે. ઓફલાઈન શિક્ષણકાર્ય ઠપ ગઈ ગયું હોવાથી આ વ્યવસાય મંદીમાં સપડાયો હોવાનું  પાઠ્ય પુસ્તકોના વિક્રેતાઓ કહી રહ્યા છે. તેમના કહેવા મુજબ હાલ ઓનલાઈન શિક્ષણ ચાલતું હોવાથી વાલીઓ, છાત્રો પુસ્તકોની ખરીદી કરતા નથી. જો કે મેથ્સ, સાયન્સને લગતા પુસ્તકોની ખરીદી મહદઅંશે થાય છે. ગત વર્ષે પ્રથમ સત્રમાં વેપારીઓએ પુસ્તકો મગાવ્યા હતા, પરંતુ તેમાંથી માત્ર 20થી 25 ટકા જેટલું જ વેચાણ થયું હતું .ગુજરાત રાજ્ય પાઠયપુસ્તક મંડળના સૂત્રોએ જણાવ્યું હતું. હાલ કોરોનાની સ્થિતિના કારણે પુસ્તકોની સાથે સાથે નોટબુકોનો ભરાવો પણ થઈ જતાં વેપારીઓની મોટી મૂડી સલવાઈ ગઈ છે. જો કે, બીજા સત્રમાં શાળા-કોલેજો ખૂલતાં થોડો-ઘણો ઉપાડ થતાં વેપારીઓને રાહત થઈ હતી, પરંતુ ફરી મીની લોકડાઉન લાગી જતાં દુકાનો જ સાવ બંધ થઈ ગઈ છે. કોરોનાને કારણે પાઠયપુસ્તકોનો સ્ટોક પડયો હોવાથી હાલ પુસ્તકોમાં બદલાવ ન કરવા સરકાર સમક્ષ માંગ કરાઈ હતી.’ જો કે, તેમાં અમુક પુસ્તક બદલાયા હતા, જે તંત્રે પાછા લીધા ન હતા, જેથી વેપારીઓને નુકસાન થયું હતું. જો કે, નવનીત પ્રકાશને બદલેલા પુસ્તકો પાછા લઈ લેતાં વેપારીઓને રાહત થઈ હતી. ભારતમાં અંદાજે 25 લાખ મેટ્રિક ટન કાગળનું ઉત્પાદન થાય છે, જે પાઠયપુસ્તકમાં વપરાય છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં વિદેશથી કાગળની આયાત બંધ થતાં સ્થાનિક મિલ ઉત્પાદકોએ સિંડિકેટ કરી 25થી 30 ટકાનો વધારો ઝીંકી દીધો હોવાનું પણ સૂત્રોમાંથી પ્રાપ્ત થઈ રહ્યું છે.

Exit mobile version