Site icon Revoi.in

કોરોનાના કેસ ઘટતા હવે સરકારી કચેરીઓમાં ફરી ધમધમાટ શરૂ થયો

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસ ઘટી રહ્યા છે. લોકોમાં પણ હવે કોરોનાનો ડર ઓછો થઈ રહ્યો છે. સાથે સરકારી કચેરીઓમાં પણ હવે રાબેતા મુજબ કામ થઈ રહ્યુ છે, એટલે કે હવે કર્મચારીઓની 50 ટકાથી વધુ હાજરી જોવા મળી રહી છે. અને અરજદારો પણ આવતા થયા છે. ગાંધીનગર સચિવાયલ, સ્વર્ણિમ સંકુલ અને બોર્ડ નિગમોની કચેરીઓમાં હવે પહેલા જેટલો જ ધમધમાટ જોવા મળી રહ્યો છે.
રાજયમાં કોરોનાનાં કેસમાં વધારો થતા મોટાભાગની સરકારી અને અર્ધ સરકારી કચેરીઓમાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો.

ગાંધીનગરની વિવિધ સરકારી કચેરીઓમાં પણ રોટેશન મુજબ 50 ટકા હાજરીનો નિયમ હોવા છતાં મોટાભાગનાં કર્મચારીઓ ગેરહાજર રહેતા હતા. જો કે હવે કોરોનાનાં કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં કર્મચારીઓ ફરી કચેરીઓમાં આવવા લાગ્યા છે. છેલ્લા 15 દિવસથી કોરોના અંકુશમાં આવતા ગાંધીનગરની સરકારી ઓફિસોનાં પણ કર્મચારીઓ નિયમિત હાજરી આપતા થયા છે. ગત એપ્રિલ મહિનામાં કોરોનાના કેસ વધવાને કારણે અમદાવાદથી ગાંધીનગર આવતા મોટાભાગનાં કર્મચારીઓ અને તેમનો પરિવાર તબકકાવાર કોરોનાથી સંક્રમીત થયો હતો જેનાં કારણે 50 ટકા હાજરી અમલમાં હોવા છતાં કર્મચારીઓમાં માત્ર 30 ટકા સ્ટાફ જ હાજર રહેતો હતો. આ સમયગાળા દરમિયાન જયાં મુખ્યપ્રધાન અને તેમનું પ્રધાનમંડળ બેસે છે તે ઓફિસો તો સુમસામ બની ગઈ હતી અને અગત્યનાં વિભાગોમાં માંડ 8 કે 10 કર્મચારીઓ જ જોવા મળતા હતા. જો કે હવે કર્મચારીઓ નિયમિત આવવા લાગ્યા છે તેમજ અમદાવાદથી ગાંધીનગરની બસોમાં પણ અપડાઉન કરનારા લોકોની સંખ્યા વધી છે. આ ઉપરાત અન્ય કચેરીઓમાં પણ કર્મચારીઓની હાજરી વઘતી જાય છે.