Site icon Revoi.in

રાજકોટમાં બાળકી સાથે દુષ્કૃત્ય આચરનાર આરોપીને કોર્ટે ફરમાવી ફાંસીની સજા

Social Share

રાજકોટ, 17 જાન્યુઆરી 2026: રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટમાં આવેલ કાનપર ગામે સાત વર્ષની નિર્દોષ બાળકી પર અત્યંત ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરનાર આરોપી રેમસીંગ તેરસીંગને આજે કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાના ચુસ્ત અમલના ભાગરૂપે, પોલીસે માત્ર 11 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી અને ઘટનાના માત્ર 45મા દિવસે કોર્ટે આ ઐતિહાસિક ચુકાદો આપીને નરાધમો માટે દાખલો બેસાડ્યો છે.

કેસની હકીકત અનુસાર, 4 ડિસેમ્બર 2025ના રોજ કાનપર ગામે શ્રમિક પરિવારની 7 વર્ષની બાળકી પર આરોપી રેમસીંગે ઝાડ નીચે દુષ્કર્મ આચરી હેવાનિયતની તમામ હદો વટાવી હતી. આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો ઘુસાડી ગંભીર ઇજા પહોંચાડી હતી. બાળકીની ચીસો સાંભળી આસપાસના લોકો એકઠા થતા આરોપી નાસી છૂટ્યો હતો. ગંભીર હાલતમાં બાળકીને હોસ્પિટલ ખસેડાતા તેનો જીવ બચી ગયો હતો.

ઘટના બાદ પોલીસે 8 ડિસેમ્બર 2025ના રોજ આરોપી રેમસીંગને ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન જ્યારે પોલીસ આરોપીને હથિયાર રિકવરી અને રિકન્સ્ટ્રક્શન માટે ખેતરે લઈ ગઈ હતી, ત્યારે આરોપીએ ધારિયા વડે પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. વળતા જવાબમાં પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કરતા આરોપીના બંને પગે ઈજા થઈ હતી. પોલીસની આ કડક કાર્યવાહી જોઈને આરોપીએ હોસ્પિટલમાં રડતા અવાજે કબૂલાત કરી હતી કે, “મારી ભૂલ થઈ ગઈ, હું ક્યારેય ગુજરાત સામે જોઈશ નહીં.”

તપાસ અધિકારીઓએ આ કેસમાં કોઈ કચાશ રાખી નહોતી. ઘટના સમયે આરોપીની હાજરી કાનપર ગામમાં સાબિત થઈ હતી. ઘટના સ્થળેથી મળેલો સળિયો અને માથાનો વાળ આરોપીના હોવાનું ફોરેન્સિક તપાસમાં સાબિત થયું હતું. આ ઘટનામાં પોલીસે માત્ર 11 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. સરકારી વકીલ દ્વારા કોર્ટમાં મજબૂત દલીલો રજૂ કરવામાં આવી હતી કે આ ગુનો ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ (અતિ વિરલ) શ્રેણીમાં આવે છે. ધરપકડના 34 દિવસમાં આરોપી દોષિત જાહેર થયો હતો અને આજે 45મા દિવસે રાજકોટની વિશેષ કોર્ટે તેને ફાંસીની સજા (મૃત્યુદંડ) સંભળાવી છે.

આ પણ વાંચોઃ દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના ધુરંધર, મુંબઈમાં લાગ્યા પોસ્ટર

Exit mobile version