Site icon Revoi.in

કોવિડ-19 રસીકરણઃ ગુજરાતમાં 10 કરોડ ડોઝ પુરા થતા કરાશે ઉજવણી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની કેસમાં ફરીથી એકવાર ઘટાડો થઈ રહ્યો છે. દરમિયાન બીજી તરફ કોરોનાને નાથવા માટે એક માત્ર રામબાણ ઈલાજ કોવિડ-19 રસી છે. જેથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં માટાપાયે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના 9.80 કરોડ જેટલા ડોઝ આપવામાં આવ્યાં છે. રસીના 10 લાખ પૂર્ણ થાય ત્યારે ઉજવણી કરવાનું સરકારે આયોજન કર્યું હોવાનું જાણવા મળે છે.

રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીના જણાવ્યા પ્રમાણે આરોગ્ય વિભાગ તરફથી ખૂબ જ સારી રીતે રસીકરણની કામગીરી થઈ રહી છે. જે અંતર્ગત 9.80 કરોડ ડોઝ આપી દેવામાં આવ્યા છે. આગામી સમયમાં જ્યારે રસીના ડોઝની સંખ્યા 10 કરોડનું લક્ષ્યાંક હાંસલ કરશે ત્યારે સરકાર તરફથી આ સફળતની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત સરકાર તરફથી આ સફળતાની ખુશીમાં થીમ સોંગ લોન્ચ કરાશે. તેમજ કોફી ટેબલ બુક પણ લોંચ કરાશે. રાજ્યની વિવિધ સરકારી હોસ્પિટલ ખાતેથી 10 કરોડના લખાણવાળા બલુન હવામાં છોડવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યમાં મોટાપાયે રસીકરણ ચાલી રહ્યું છે. પ્રજાને બીજો ડોઝ આપવાની કામગીરી તેજ બનાવવામાં આવી છે. આ ઉપરાંત 15થી 18 વર્ષના કિશોરોને પણ રસી આપવામાં આવી રહી છે. એટલું જ નહીં આરોગ્ય કર્મચારીઓ અને કોરોના ફ્રન્ટલાઈન વોરિયર્સ તથા વિવિધ બીમારીથી પીડાતા 60 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાનો પ્રિકોશન ડોઝ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. લોકો કોરોનાની રસીનો ડોઝ મેળવે તે માટે સરકાર દ્વારા વિવિધ આયોજન કરવામાં આવ્યું છે.