Site icon Revoi.in

કોવિડ-19 રસીકરણથી યુવાનોમાં આકસ્મિક મૃત્યુનું જોખમ વધ્યું નથીઃ અભ્યાસમાં દાવો

Social Share

નવી દિલ્હીઃ ભારતમાં કોવિડ-19 રસીકરણથી યુવાનોમાં આકસ્મિક મૃત્યુનું જોખમ વધ્યું નથી. આ દાવો ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ પોતાના અભ્યાસમાં કર્યો છે. ભારતમાં 18-45 વર્ષની વયના પુખ્ત વયના લોકોમાં અચાનક મૃત્યુ સાથે સંકળાયેલા પરિબળો – મલ્ટિસેન્ટર મેચ્ડ કેસ-કંટ્રોલ સ્ટડીનામનો અભ્યાસ પીઅર સમીક્ષા હેઠળ છે અને હજુ સુધી પ્રકાશિત થયો નથી, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. તેમનું કહેવું છે કે આ અભ્યાસ ચાલુ મહિનાની શરૂઆતમાં પૂર્ણ થયો હતો.

ICMR અભ્યાસને ટાંકીને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રવિવારે ગુજરાતના ભાવનગરમાં જણાવ્યું હતું કે જે લોકોએ કોવિડની ગંભીર બીમારીનો ભોગ બન્યાં છે તેઓએ હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટથી બચવા માટે એક કે બે વર્ષ સુધી વધુ પડતી કસરત કરવી જોઈએ નહીં. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતમાં તંદુરસ્ત યુવાન પુખ્ત વયના લોકોમાં અચાનક મૃત્યુના સમાચારે સંશોધકોને સંશોધન કરવા પ્રેર્યા હતા. આ મૃત્યુ કોવિડ -19 અથવા રોગ સામે રસીકરણ સાથે સંબંધિત હોવાની આશંકા હતી.

ગુજરાત સહિત દેશમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેકના બનાવોમાં વધારો થયો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી હાર્ટ એટેકથી અનેક યુવાના મોત થયાં છે. જેથી નવરાત્રિ મહોત્સવમાં મોટા ગરબા સ્થળો ઉપર તબીબોની ખાસ ટીમ અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. એટલું જ નહીં ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. તેમજ આ મામલે લોકોમાં જાગૃતિ લાવવા વિવિધ પગલા ભરવામાં આવી રહ્યાં છે.