Site icon Revoi.in

ભારતમાં ઈ-કોમર્સ કંપનીઓની પ્રોડક્ટના ખોટા રિવ્યુ આપનાર સામે હવે દંડાત્મક કાર્યવાહી થશે

Social Share

દિલ્હી: ઓનલાઈન  શોપિંગ, હોટેલ બુકિંગ, ટ્રાવેલ બુકિંગ, અને રેસ્ટોરન્ટનું ભોજન અને સર્વિસથી જોડાયેલી કોઈપણ પ્રોડક્ટ  વિષે  ખોટો રિવ્યુ લખવો કે લખાવવો હવેથી ગુનો બની શકે છે. ભારતીય માનક બ્યુરો (બી.આઈ.એસ.)એ કોઈપણ સામાન કે સર્વિસના રિવ્યુ કરવા માટે હવે માપદંડ નક્કી કર્યા છે, જે 25 નવેમ્બરથી લાગુ થઇ જશે.

કેન્દ્રીય ગ્રાહક મંત્રાલયના સચિવ રોહિતકુમારે  આ માપદંડોને જાહેર કરતાં જણાવ્યું છે કે શરૂઆતમાં આ માપદંડો સ્વૈચ્છિક હશે. જો કે અમને આશા છે કે આ સામાનની સમીક્ષા કરનાર લોકો અને કંપનીઓ આ માપદંડોનું પાલન કરશે. અને છતાંય જો આ બાબતે  કોઈ ફરિયાદ આવે છે, તો તેને ફરજિયાત કરવામાં આવી શકે છે.

રોહિત કુમારના જણાવ્યા મુજબ ભારત પહેલો એવો દેશ છે, જેણે પ્રોડક્ટ કે સર્વિસના રિવ્યુ/ સમીક્ષા લખવા અંગેના માપદંડ નક્કી કર્યા છે. તેમણે જણાવ્યું છે કે આ માપદંડો લાગુ કરાયા બાદથી ઈ-કોમર્સ કંપનીઓ હવેથી ખોટાં અને પેઈડ રિવ્યુ નહિ લખાવી શકે. ગ્રાહક સચિવે જણાવ્યું કે આ બધાં જ માપદંડોનું પાલન કરવાની સાથે જ કંપનીઓએ પોતે બી.આઈ.એસ.માં ખરાઈ કરાવવા અરજી કરવાની રહેશે. ત્યારબાદ બી.આઈ.એસ. એક સર્ટિફિકેટ આપશે. ત્યારબાદ જ કંપની પોતાની વેબસાઈટ પર તેનો ઉલ્લેખ કરી શકશે.

તેમણે જણાવ્યું હતું કે કંપનીએ એ જણાવવું અનિવાર્ય રહેશે કે તેઓ રિવ્યુના આધારે કેવી રીતે પ્રોડક્ટને સ્ટાર આપે છે. જો  કે હજી  સ્પષ્ટ થયું નથી કે આ દૈનિક, સાપ્તાહિક કે વર્ષમાં મળેલા રિવ્યુના આધારે નક્કી કરવાનું છે! તેઓ જણાવે છે કે જો કોઈ કંપની આં માપદંડોનું યોગ્ય રીતે પાલન કરે નહિ અને ખોટા રિવ્યુના આધારે સામાન વેચે, તો તે મામલો અનફેઅર ટ્રેડ પ્રેક્ટિસના ક્ષેત્રમાં ગણાશે. આવામાં જે તે કંપનીઓ પર દંડ પર લાદી શકાશે.

ઈ-કોમર્સ વેબસાઈટ પર પ્રોડક્ટને જોઈ જ શકાય છે, તેને હાથમાં લઈને ચકાસી શકાતી નથી. આવા સમયે મોટાભાગે ગ્રાહક આવી પ્રોડક્ટ કે આવા સામાન માટે રિવ્યુ લખનાર વેબસાઈટ પર જ ભરોસો કરે છે. જે સામાનનો રિવ્યુ સારો હોય, ગ્રાહક તે સામાન ખરીદવા પ્રેરાય છે અને આમ ઓનલાઈન વ્યવહારમાં  રિવ્યુ એક અગત્યનો ભાગ બની જાય છે.

ઘણી કંપનીઓ ગ્રાહકો અને પ્રોડકટના રિવ્યુ કરનારી કંપનીઓને પૈસા આપીને ખોટા રિવ્યુ કરાવે છે. જેથી પ્રોડક્ટ વધુ ને વધુ લોકો સુધી પહોંચે અને ગ્રાહક આવી પ્રોડક્ટ વિશ્વાસ કરીને જલ્દીથી ખરીદી શકે. પણ ઘણીવાર કેટલીક કંપનીઓ હરીફાઈના આ યુગમાં અન્ય વિરોધી કે હરીફ કંપનીઓના  સામાન માટે ખોટા રિવ્યુ પણ લખાવે છે અને અન્ય કંપનીને નુકસાન પહોંચાડે છે. ગ્રાહક મંત્રાલયને આવી ઘણી ફરિયાદો મળતી હોય છે. અને તેથી જ મંત્રાલયે હવે આ નવા માપદંડો લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

(ફોટો: ફાઈલ)