Site icon Revoi.in

અમદાવાદીઓએ પસંદગીનો નંબર લેવા માટે છેલ્લા એક મહિનામાં ખર્ચ્યા રૂ. 1.09 કરોડ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને કારણે લોકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. તેમ છતા વાહનચાલકો નવા વાહનના પસંદગીના નંબર માટે નાણા ખર્ચ કરી રહ્યાં છે. દરમિયાન છેલ્લા એક મહિનામાં અમદાવાદ આરટીઓને નવા નંબરની હરાજીમાં જ લગભગ રૂ. 1.09 કરોડની આવક થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ આરટીઓમાં ગત નવેમ્બર મહિનામાં લગભગ 11600 જેટલા વાહનો નોંધાયાં હતા. જે પૈકી 3 હજારથી વધારે નવા વાહનના માલિકોએ પસંદગીના નંબર મેળવવા માટે અમદાવાદ આરટીઓમાં અરજી કરી હતી. અરજીમાં પસંદગીના નંબર માટે જે વાહન ચાલકો ઉંચા ભાવ ભર્યાં હતા. તેમને પસંદગીના નંબર આપવામાં આવ્યાં હતા. આમ અમદાવાદ આરટીઓને એક મહિનામાં પસંદગીના નંબરની હરાજીથી લગભગ રૂ. 1.09 કરોડની આવક થઈ હતી. એક વાહન ચાલકે 0001 નંબર મેળવવા માટે રૂ. 5.56 લાખની બોલી લગાવી હતી. તેમજ 0007 નંબર માટે એક વાહન ચાલકે રૂ. 32 લાખની બોલી લગાવી હતી. જો કે. વાહન ચાલકે રૂ. 32 લાખ જમા નહીં કરાવતા તેની અરજી રદ કરવામાં આવી હતી. વાહન ચાલકોએ 5555, 7777, 1212, 0369 સહિતના નંબર માટે એક લાખથી વધારેની બોલી લગાવી હતી.

અમદાવાદ આરટીઓને 3 મહિનાના સમયગાળામાં પસંદગીના નંબરની હરાજીથી રૂ. 2.30 કરોડથી વધારેની આવક થઈ છે. ઓક્ટોબર મહિનામાં 2899 વાહનોના પસંદગીના નંબરની હરાજીથી 71 લાખથી વધારે અને સપ્ટેમ્બર મહિનામાં 1130 વાહનોના પસંદગીના નંબરની હરાજીથી 40 લાખની આવક થઈ હતી. અમદાવાદ આરટીઓમાં દર 21 દિવસે નંબરની સિરિઝ પૂર્ણ થાય છે. નવા નંબરની સિરિઝમાં ગોલ્ડન અને સિલ્વર નંબર મેળવવા માટે બાઈક અને મોટરકાર ચાલકો આરટીઓમાં અરજી કરે છે.