Site icon Revoi.in

અમદાવાદમાં મોટી ધાડ પાડવા આવેલા યુપીના લૂંટારૂ ગેન્ગના 6 શખસોને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા

Social Share

અમદાવાદઃ મેગાસિટી ગણાતા અમદાવાદ શહેરની ગણતરી સમૃદ્ધ સિટી તરીકે કરાતી હોવાથી ગુનાખોરીનું પ્રમાણ પણ વધતુ જાય છે. તેની સામે પોલીસ પણ એલર્ટ બનીને કામ કરી રહી છે. હાલ વાયબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન મોદી સહિત મહાનુભાવોના આગમનને લીધે તેમની સુરક્ષા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદમાં મોટા જ્વેલર્સની શો રૂમમાં ધાડ પાડવા આવેલી ઉત્તર પ્રદેશની હથિયારધારી લૂંટારૂ ગેન્ગને અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધી છે.

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે  શહેરના પાલડી મ્યુઝિયમ AMTS બસ સ્ટેન્ડ પાસે રોડની ફૂટપાથ પરથી ઉત્તરપ્રદેશના  લૂંટારૂ ગેન્ગના 6 શખસોની ધરપકડ કરી છે. લૂંટારૂ શખસો યુપીમાં પોતાની ગેંગ ચલાવે છે અને અલગ-અલગ ગુનામાં અનેક વખત પોલીસના સકંજામાં આવી ચૂક્યા છે. પોલીસે સાહિદ અલી પઠાણ, રાજેન્દ્રસિંગ જાટવ, લેખરાજ રોશનસિંગ બિહારી યાદવ, સત્યરામ ઉર્ફે વિદાયક યાદવ, લેખરાજ સોનપાલ યાદવ તેમજ રવિ ફકીરને ઝડપી લીધા છે. આ તમામ આરોપીઓ પાસેથી 3 નંગ દેશી તમંચા, 18 નંગ મોટા કારતૂસ, 3 મોબાઈલ ફોન, એક કટર, બે સ્ક્રુ ડ્રાઇવર તેમજ રોકડા રૂપિયા મળીને 74 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

શહેર ક્રાઈમ બ્રાન્ચની સૂત્રોના જણાવ્યા મુજબ પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ ઉત્તર પ્રદેશમાં અલગ-અલગ ગુનાઓ નોંધાયો છે. જેમાં હત્યા, લૂંટ, હથિયારોની હેરાફેરી, ગેંગસ્ટર એક્ટની કલમ સહિત તમામ આરોપીઓ મળી 100 જેટલા ગુનાઓ ઉત્તર પ્રદેશમાં નોંધાઈ ચૂક્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડાયેલા ખૂંખાર આરોપીઓ અત્યાર સુધી ઉત્તર પ્રદેશમાં અલગ-અલગ જગ્યાઓ પર લૂંટ, ધાડ, હથિયારની હેરાફેરી, હત્યાની કોશિશ, ગેંગસ્ટર એક્ટ સહિતના બનાવો અને અંજામ આપી ચૂક્યા છે. આ તમામ આરોપીઓને ઉત્તરપ્રદેશની લોકલ પોલીસ ઓળખી ગઈ હોવાથી તેમણે લૂંટ માટે અમદાવાદ પસંદ કર્યું હતું.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, યુપીની લૂંટારૂ શખસોએ ધાડ પાડવા માટે શહેરના સી.જી.રોડ તેમજ શિવરંજની વિસ્તારમાં જ્વેલર્સની રેકી પણ કરી હતી. કોઈ એક મોટા શો-રૂમમાં હથિયાર વડે લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો પરંતુ ગુનાને અંજામ આપે તે પહેલાં જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે લૂંટારૂ ગેન્ગને દબોચી લીધી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ તમામ આરોપીઓ ગુજરાતમાં પ્રથમ વખત જ લૂંટ માટે આવ્યા હોવાનું કહી રહ્યા છે. ક્રાઈમ બ્રાન્ચ અગાઉ આ છ આરોપીઓએ અમદાવાદ અથવા તો ગુજરાતમાં કોઈ ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ? તે ઉપરાંત ખરેખર આ તમામ આરોપીઓનો શું પ્લાન હતો અને અન્ય કોઈ લોકલ વ્યક્તિ આ ગેંગ સાથે જોડાયેલા છે કે કેમ તે અંગે આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.