Site icon Revoi.in

ક્રાઈમ સ્ટોરીઃ મધ્યપ્રદેશમાં દીકરાએ નાણા માટે પિતાની સોપારી આપી હત્યા કરાવી

Social Share

ભોપાલઃ મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. દારૂ-જુગાર સહિતની કુટેવ ધરાવતા દીકરાએ પોતાની પિતાની સોપારી આપીને હત્યા કરાવી હતી. સોશિયલ મીડિયાના મારફતે સોપારી કિલરનો સંપર્ક કરીને પિતાની હત્યા કરવા માટે સોપારી આપી હતી. પોલીસે હત્યા કેસમાં ઉંડાણપૂર્વક તપાસ કરતા એક કરોડ રૂપિયા માટે આ કાવતરુ ઘડ્યું હતું. પોલીસે હત્યારા દીકરાને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

સુત્રોના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં રહેતા મહેશ ગુપ્તા નામની વ્યક્તિની અજાણ્યા શખ્સોએ ગોળીમારીને હત્યા કરી હતી. પોલીસે સમગ્ર કેસની તપાસ શરૂ કરી હતી. મૃતકનો એક દીકરો સેનામાં હતો. જ્યારે બીજો દીકરો દારૂ પીવા સહિતની કુટેવ ધરાવતો હતો. સેનામાં ફરજ બજાવતો દીકરો સંતોષ હવે આ દુનિયામાં નથી. જ્યારે બીજો દીકરો અકિંત દારૂ, જુગાર અને સટ્ટાની કુટેવ ધરાવતો હતો. જેથી સંતોષ અને તેના પિતા વચ્ચે આ બાબતે અવાર-નવાર ઝઘડા થતા હતા.

હત્યા કેસમાં પોલીસની તપાસ દરમિયાન અંકિતે પોલીસને ગેર માર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસે શંકાના આધારે અંકિતના મોબાઈલ ફોનની તપાસ કરતા ચોંકાવનારા ખુલાસા થયાં હતા. જેથી પોલીસે તેની અટકાયત કરીને પૂછપરછ આરંભી હતી.

શિવપુરીના એસ.પી. રાજેશ સિંહ ચંદેલએ જણાવ્યું હતું કે, અંકિતની કોલ ડિટેલ અને ઈન્ટરનેટ હિસ્ટ્રીની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી બિહારના એક સોપારી કિલરની વિગતો સામે આવી હતી. અંકિતે ઈન્ટરનેટ મારફતે સોપારી કિલરનો સંપર્ક કરીને પિતાની હત્યા કરાવી હતી.

ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, સેનામાં ફરજ બજાવતા ભાઈનું અવસાન થતા પિતા મહેશભાઈને લગભગ રૂ. એક કરોડ મળ્યાં હતા. આ રકમ ઉપર અંકિતની નજર હતી. જેથી આ રકમ પચાવી પાડવા માટે પિતાની હત્યાનું કાવતરુ ઘડ્યું હતું. પોલીસે હત્યારાની ધરપકડ કરીને વધુ તપાસ આરંભી છે. પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીને ઝડપી લેવા માટે તપાસ આરંભી છે.